રાહુલ દ્રવિડ બનશે ભારતીય ટીમના નવા કોચ, 10 કરોડ રૂપિયા સેલેરી મળશે

October 16, 2021

નવી દિલ્હી: ભારતીય ટીમના એક સમયના ધરખમ બેટસમેન અને ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને આપેલી જાણકારી પ્રમાણે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે વાતચીત કર્યા બાદ દ્રવિડે કોચ તરીકેની જવાબદારી સ્વીકારવાની હા પાડી છે. બંને વચ્ચે શુક્રવારે આઈપીએલની ફાઈનલ દરમિયાન વાતચીત થઈ હતી. દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે.
સૂત્રોના કહેવા પ્રમાણે દ્રવિડને કોચ તરીકેની કામગીરી માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરાઈ છે. સાથે સાથે તેમને બોનસ પણ અપાશે. હાલના કોચ રવિ શાસ્ત્રીની સેલેરી 8.5 કરોડ રૂપિયા છે. દ્રવિડ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમનારા ટી.20 વિશ્વકપ બાદ ભારતીય ટીમના કોચ તરીકે કામગીરી શરૂ કરશે. તેમનો બે વર્ષનો કાર્યકાળ રહેશે.
ટી 20 વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવવાની છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટી 20 વન ડે અને બે ટેસ્ટની સિરિઝ રમાવાની છે. એવુ મનાઈ રહ્યુ છે કે, હાલના બેટિંગ કોચ વિક્રમ રાઠોડને ચાલુ રખાશે. જ્યારે હાલના બોલિંગ કોચ ભરત અરુણની જગ્યાએ પારસ મહામ્બ્રે બોલિંગ કોચ બનશે. જ્યારે ફિલ્ડિંગ કોચ શ્રીધરના રિપ્લેસમેન્ટ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.