ચીની સેનાની પીછેહટ પર રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યા સવાલ

July 07, 2020

નવી દિલ્હી : ચીન સાથે ભારતના ટકરાવ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

અન્ય વિપક્ષો જ્યારે આ મુદ્દે કશું બોલવાનુ ટાળી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી રોજ મોદી સરકાર પર સોશ્યલ મીડિયા થકી નિશાન સાધી રહ્યા છે.એક તરફ ચીને ગલવાનમાંથી પીછેહઠ કરી છે ત્યારે રાહુલ ગાંધીએ ફરી ટ્વિટ કરીને મોદી સરકારને ત્રણ સવાલ પૂછ્યા છે.

રાહુલ ગાંધીએ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ ચી સાથે થયેલી વાતચીત અંગે કહ્યુ છે કે, રાષ્ટ્રિય હિત સર્વોપરી છે અને ભારત સરકાર ભારતના હિતની રક્ષા કરે તે તેની ફરજ છે.એટલે પહેલો સવાલ એ છે કે, એપ્રિલ પહેલાની સ્થિતિ પર બંને દેશની સેના પહોંચે તે માટે કેમ ભાર મુકવામાં નથી આવ્યો..બીજો સવાલ એ છે કે, ભારતીય સેનાના 20 જવાનોની ચીને કરેલી હત્યાને યોગ્ય કેમ ગણવામાં આવી રહી છે અને ત્રીજો સવાલ કે ગલવાન ઘાટીનો વિસ્તાર ભારતનો છે તે વાતનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી.

રાહુલે પોતાના ટ્વિટની સાથે ભારત અને ચીનના બયાનને પણ શેર કરવામાં આવ્યા છે.ચાર જુલાઈએ પણ રાહુલે મોદી સરકાર પર નિશાન સાધીને કહ્યુ હતુ કે, દેશભક્ત લદ્દાખી નાગરિકો ચીનની ઘૂસણખોરી સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારને કહી રહ્યા છે કે, અમારો અવાજ સાંભળો.