હરિયાણામાં AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની તૈયારીમાં રાહુલ ગાંધી? ભાજપની વધશે ચિંતા

September 03, 2024

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના લીધે રાજકીય પક્ષો તાડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસે ગઈકાલે સોમવારે ચૂંટણીની રણનીતિ નક્કી કરવા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગઠબંધન સાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. બેઠકમાં તેમણે પૂછ્યું હતું કે, એકલા ચૂંટણી લડવાથી નુકસાન નહીં થાય ને, શું ગઠબંધનની કોઈ સંભાવના છે?  રાહુલ ગાંધીના આ સવાલનો જવાબ આપતાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે, આમ આદમી પક્ષ સૌથી વધુ બેઠક માગી રહી છે, જેથી તેની સાથે ગઠબંધન કરવુ મુશ્કેલ છે. હુડ્ડાએ આગળ કહ્યું કે, આપ પક્ષને ત્રણથી ચાર બેઠક આપી શકીએ, પરંતુ તેની ઈચ્છા મોટી છે, જેથી તેની સાથે ગઠબંધન કરવુ મુશ્કેલ છે. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, I.N.D.I.A ગઠબંધનના મત વહેંચાય ન જાય તેવો પ્રયાસ આપણે સૌએ કરવો જોઈએ. તમે લોકો તેના માટે યોગ્ય માર્ગ શોધી કાઢો. કોંગ્રેસ અને આપએ હરિયાણા, ગુજરાત, ગોવા, દિલ્હી અને ચંદીગઢમાં લોકસભા ચૂંટણી સાથે મળી લડી હતી. જો કે, આ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ અને આપના ઘણા નેતા ગઠબંધનમાં ચૂંટણી લડવા માગતા નથી. તેઓ ગઠબંધન ઈચ્છતા નથી. હરિયાણા કોંગ્રેસ પ્રદેશમાં પોતાના દમ પર ચૂંટણી લડવા માગે છે. તેઓ આપ કે સપાને બેઠક આપવા સમર્થન આપી રહ્યા નથી. તેમનું માનવુ છે કે, હરિયાણામાં કોંગ્રેસનો માહોલ સારો છે, તેને કોઈ ગઠબંધનની જરૂર નથી. કોંગ્રેસ નેતા કુમારી શૈલજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રાજ્યમાં અમારો પક્ષ મજબૂત ખેલાડી છે અને એકલા હાથે ચૂંટણી લડશે. આ વર્ષની શરૂઆતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આપ હરિયાણાની તમામ 90 બેઠક પર પોતાની તાકાત સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ કહ્યું છે કે હરિયાણામાં આપ સાથે કોઈ ગઠબંધન નહીં થાય. તેમણે કહ્યું કે પંજાબમાં ઈન્ડિયા જનબંધન નથી. હરિયાણામાં, અમે લોકસભા ચૂંટણીમાં આપને એક બેઠક આપી હતી, પરંતુ મને નથી લાગતું કે વિધાનસભાની ચૂંટણીમાં ભારતનું 'જનબંધન' હશે. લોકસભા ચૂંટણી-2024માં હરિયાણામાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે 10માંથી 5 બેઠક જીતી હતી. તે જ સમયે આપ 3.94 વોટિંગ શેર સાથે ત્રીજા ક્રમે છે. હરિયાણામાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 90માંથી 31 બેઠકો જીતી હતી. તેનો વોટ શેર 28.08 ટકા હતો. 2014ની ચૂંટણીમાં તેને માત્ર 15 બેઠકો મળી હતી.