રાહુલ ગાંધીને બે વર્ષની સજા, 15 હજારનો દંડ; જામીન મળી ગયા, કહ્યું- મારો ઈરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો

March 23, 2023

સુરત  : રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. એમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના આ કેસમાં આજે સુરતની કોર્ટે ચુકાદો આપીને રાહુલ ગાંધીને IPC 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને તેમને જામીન પણ મળી ગયા છે.

સુરતના ધારાસભ્ય અને મોદી અટક પર થયેલી ટિપ્પણીને લઈને કોર્ટમાં કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંગે અમે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટે અમારી ફરિયાદ ગ્રાહ્ય રાખી હતી અને આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે. તેને હું આવકારું છું.

બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જો કે અમને પૂર્ણ ભરોસો છે કે, હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે.

બાબુ માંગુકિયા,વકીલનું નિવેદન 499 અને 500 મુજબ દોષિત જાહેર થયા છે. આમાં લાંબી સજાની જોગવાઈ નથી. જામીન મળી ગયાં છે. નૈષધ દેસાઈ અને હસમુખ દેસાઈ રાહુલ ગાંધીના જામીન દાર બન્યાં છે

ફરિયાદી પક્ષ વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે, કાયદાના ઘડનારા જ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને માફ કરી શકાય નહીં. જેથી રાહુલ ગાંધીને સજા થાય તે માટેની દલીલ કરવામાં આવી છે.

રાહુલ ગાંધીને વિષે તેમના તો વકીલે જવાબ આપ્યો કે, આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી. કોઈને નુકસાન થયું નથી. એવું કંઈ સામે આવ્યું નથી. અમારે કોઈપણ પ્રકારની દયા અરજી કરવી નથી.

શું છે કેસ?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતાં સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યાં હતાં.