રાહુલ તાંત્યાના જન્મસ્થળે પહોચ્યા:રાહુલે કહ્યું- તાંત્યા મામા એક વિચાર, એક વિચારધારા હતા, આદિવાસીઓ આ દેશના સાચા માલિક

November 24, 2022

એમપીમાં ભારત જોડો યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધી આદિવાસી નેતા તાંત્યા મામાના જન્મસ્થળ પહોંચ્યા હતા. અહીં એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓ આ દેશના સાચા માલિક છે. તેમણે કહ્યું કે ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, તેની પાછળ તેમની અલગ વિચારસરણી છે. આ માટે ભાજપે આદિવાસીઓની માફી માંગવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે અંગ્રેજોએ તાત્યા મામાને ફાંસી આપી અને આરએસએસની વિચારધારાએ અંગ્રેજોને મદદ કરી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા હતા કે આદિવાસીઓ પર સૌથી વધુ અત્યાચાર મધ્યપ્રદેશમાં થઈ રહ્યા છે. અમને એવું રાજ્ય નથી જોઈતું, અમને એવું રાજ્ય જોઈએ છે જે આદિવાસીઓને સન્માન અને રક્ષણ આપે.

રાહુલ ગાંધીએ આદિવાસી નેતા તાંત્યા મામા વિશે કહ્યું કે તેઓ એક વિચાર, એક વિચારધારા છે. તેમની વિચારસરણી અને વિચારધારાને કારણે હું અહીં આવ્યો છું. આ પહેલા રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત જય જોહર, જય આદિવાસી કહીને કરી હતી. અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઝુમા સોલંકીએ પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે જેકેટ પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ખંડવાના બોરગાંવ બુઝુર્ગથી શરૂ થઈ હતી. રાહુલ અત્યારસુધી 8 કિમી ચાલ્યા હતા. મધ્યપ્રદેશમાં આ યાત્રાનો બીજો દિવસ છે. રાહુલની સાથે મધ્યપ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં જોડાયા હતા. આજે યાત્રાનો 78મો દિવસ છે. પ્રિયંકા પહેલીવાર આ યાત્રામાં જોડાયા. તેમની સાથે રોબર્ટ વાડ્રા અને પુત્ર રેહાન વાડ્રા પણ હતા. આ યાત્રામાં કનૈયા કુમાર પણ જોડાયો હતો. આ પહેલાં સોનિયા ગાંધી 1 દિવસની યાત્રામાં જોડાયાં હતાં.

રાહુલ ગાંધીએ અહીં તાંત્યા ભીલના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. અહીંથી યાત્રા છૈગાંવ માખણ તરફ આગળ વધશે, જ્યાં નુક્કડ સભા પછી બીજા દિવસે યાત્રા સમાપ્ત થશે. રાત્રિ રોકાણ ખરગોન જિલ્લાના ખેરદા ખાતે થશે. રાજ્યમાં આ યાત્રા બુધવારે બુરહાનપુરના બોદર્લી ગામથી શરૂ થઈ હતી. આ યાત્રા 12 દિવસમાં છ જિલ્લાને આવરી લેશે અને 4 ડિસેમ્બરે રાજસ્થાનમાં એન્ટ્રી કરશે.