વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં વરસાદ, બરફ વર્ષા

March 01, 2020

નવી દિલ્હી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ જવાના કારણે શનિવારે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ, હિમ વર્ષા થઇ હતી. દિલ્હીનું હવામાન એટલું વધારે ખરાબ હતું કે દિલ્ગી એરપોર્ટ પરથી ૧૪ ફલાઇટને લખનઉ, અમૃતસર, અમદાવાદ અને જયપુર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

ઉત્તરાખંડના કેદારનાથ, બદરીનાથ, હેંમકુંડ અને કુમાઉના ઉંચાઇવાળા વિસ્તારોમાં ફરી એક વખત બરફ વર્ષા શરૃ થઇ ગઇ છે. દેહરાદૂન, ગઢવાલ અને કુમાઉ મંડલના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો.

હિમાચલ પ્રદેશના શિમલા, સોલન, કાંગડામાં બપોરને સમયે અંધારપટ છવાઇ ગયો હતો. વરસાદ અને બરફ વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. હરિયાણાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ અને બરફ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

ભારતીય ખેડૂત સંગઠનના પ્રદેશ ઉપાદ્યક્ષ સત્યવાન નરવાલે વરસાદ અને બરફ વર્ષાને કારણે થયેલા નુકસાનની ભરપાઇ માટે રાજ્ય સરકાર સમક્ષ એકર દીઠ ૪૦,૦૦૦ રૃપિયાના દરે વળતર ચુકવવાની માગ કરી છે.