ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ અને પહાડો પર હિમવર્ષા

March 25, 2023

નવી દિલ્હી : સામાન્ય રીતે માર્ચના છેલ્લા અઠવાડિયે ગરમી શરૂ થઈ જાય છે તેના બદલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ બદલાયેલો છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ રહ્યો છે, પહાડી વિસ્તારો પર હિમવર્ષા થઈ રહી છે જેના કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયુ છે. 

દિલ્હી-એનસીઆરમાં પડેલા વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે. મોડી રાતે રોકાઈ-રોકાઈ પડી રહેલા વરસાદનો સિલસિલો ચાલુ રહ્યો. શુક્રવારે દિવસ અને રાત્રે વરસાદ પડ્યા બાદ શનિવારે સવારે તડકો નીકળ્યા બાદ હવામાન ખૂબ સારૂ થઈ ગયુ છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના હવામાનમાં થયેલા પરિવર્તનથી અત્યાર સુધી અઠવાડિયા સુધી હવામાનમાં ઠંડક રહેશે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થવાના કારણે વરસાદની સંભાવના નથી અને તાપમાનમાં વધારો જોવા મળશે નહીં. આખુ અઠવાડિયુ આંશિકરીતે વાદળ છવાયેલા રહેશે. 30 માર્ચ બાદથી મહત્તમ તાપમાનમાં વધારો થવાનો શરૂ થશે. 

હિમાચલ પ્રદેશમાં યેલો એલર્ટ વચ્ચે શનિવારે મેદાની વિસ્તારોમાં ઝરમર વરસાદ અને શિખરો પર હિમવર્ષા થઈ છે. રાજ્યમાં બે નેશનલ હાઈવે સહિત 15 રસ્તા બંધ છે. 322 વીજ ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા છે. પાંચ પેયજળ સ્કીમ પર અસર પડી રહી છે. 

ચંબા, રોહતાંગ અને જલોડી દર્રામાં હિમવર્ષા થઈ છે. ચંબા જિલ્લાના ચુરા પેટા વિભાગની ગ્રામ પંચાયત ટેપામાં સવારે સામાન્ય બરફ પડ્યો. લંગેરામાં 4 થી 5 ઈંચ હિમવર્ષા થઈ છે. રાજધાની શિમલામાં સવારે ઝરમર વરસાદ પડ્યો. ઓફિસ જતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સ્કુલ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આજે પણ પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાનું પૂર્વાનુમાન છે.