રાજ્યમાં 24 કલાકમાં 87 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, ઉમરગામમાં સાૈથી વધુ 6 ઈંચ વરસાદ

June 21, 2022

રાજ્યમાં 24 કલાકમાં 87 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા વલસાડ અને વાપી તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ છે. તેમજ નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ સાથે વલસાડના પારડી તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તથા અન્ય 12 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ આવ્યો છે.

છેલ્લાં 24 કલાકથી રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં મેઘો મહેર કરી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તાલુકાભરમાં વાવણી લાયક વરસાદ પડવાથી ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.