વરસાદી આફત : દેશનાં પાંચ રાજ્યોમાં ૧૩નાં મોત

July 21, 2021

દહેરાદૂન: ઉત્તર કાશી અને હિમાચલપ્રદેશમાં વરસાદી આફતને પગલે સાત વ્યક્તિનાં મોત થયા છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ૨૪ કલાક ઉત્તર ભારત તેમજ પિૃમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ક્યાંક જમીન ધસી પડવાની ઘટના તો ક્યાંક પૂરની સંભાવના છે. ઉત્તરાખંડનાં ઉત્તર કાશી તેમજ ટેહરી ગઢવાલમાં ભારે વરસાદ તેમજ જમીન ધસી પડવાથી કેટલાક મકાનોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. ઉત્તર કાશીનાં માંડવ ગામ ખાતે કાદવમાં ફસાઈ જવાને કારણે ૩ વ્યક્તિનાં મોત થયા હતા જેમની ઓળખ ૩૬ વર્ષનાં મથુરા દેવી, ૩૨ વર્ષનાં રિતુ દેવી તેમજ ૩ વર્ષની ત્રિશ્વી તરીકે થઈ હોવાનું એસડીઆરએફનાં ઈનચાર્જ લલિત નેગીએ જણાવ્યું છે. ગોવા અને કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદને કારણે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.  હિમાચલપ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે જ્યાં સોમવારે બે વ્યક્તિનાં મોત થયા છે જ્યારે બે લોકો ગુમ થયા છે. દુનાલી નજીક રાવિ નદીમાં કાર તણાઈ જતા ૫૫ વર્ષનાં સુભદ્રા દેવીનું મોત થયું છે જ્યારે તેમનાં પતિ ફરંગુરામ અમે પુત્ર તેજસિંહ લાપતા થયા હોવાનું ચંબાનાં એસપી એસ અરુણકુમારે જણાવ્યું હતું. બીજી એક ઘટનામાં ચંબા ટિસા રોડ પર કાર તણાઈ જવાથી હિતેશસિંહ નામની વ્યક્તિનું મોત થયું હતું. મંડી-કુલ્લુ અને કટૌલા વચ્ચેનો રસ્તો બ્લોક થઈ જવાથી હજારો લોકો ફસાઈ ગયા છે.  પંજાબનાં પતિયાલાના શૂતરાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક મકાનની છત પડવાથી એક જ પરિવારનાં ૪ લોકોનાં મોત થયા હતા. જ્યારે એકને ઈજા થઈ હતી.  દિલ્હી તેમજ એનસીઆરમાં મંગળવારે બપોર પછી વરસાદ પડવાનું શરૂ થયું હતું. આને કારણે દિલ્હીનાં લોકોને ગરમીમાં રાહત મળી હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિલ્હીમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.