CAAનાં સમર્થનમાં બેધડક બોલ્યા રાજ ઠાકરે, પાર્ટીનાં હજારો કાર્યકર્તાઓ સાથે ઉતરશે રસ્તા પર

January 23, 2020

મુંબઈ :   મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરે પોતાના જૂના રંગમાં પરત ફરી રહ્યા છે. પોતાના બેધડક નિવેદનોનાં કારણે જાણીતા રાજ ઠાકરેએ ગુરૂવારનાં કહ્યું છે કે ભગવો મારા ડીએનએમાં છે. સાથે જ તેમણે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું અને કહ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં ઘુસણખોરોને બહાર ફેંકી દેવા જોઇએ. બાલ ઠાકરેનાં જન્મદિવસે પાર્ટીનાં ઝંડાને ભગવા રંગમાં બદલનારા રાજ ઠાકરેએ મુંબઈમાં કહ્યું કે, “ભગવો ઝંડો વર્ષ 2006થી મારા દિલમાં હતો. અમારા ડીએનએમાં ભગવો છે. હું મરાઠી છું અને એક હિંદુ છું.”

સાથે જ તેમણે એ પણ કહ્યું કે, મુસલમાન પણ પોતાના છે. તેમણે આ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું. મનસે પ્રમુખે કહ્યું કે, “હું હંમેશા કહેતો રહ્યો છું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં ઘુસણખોરોને દેશથી બહાર ફેંકી દેવા જોઇએ.” રાજ ઠાકરે અનેકવાર પીએમ મોદીની ટીકા કરી ચુક્યા છે. આના પર તેમણે કહ્યું કે, “મને લાગે છે કે જે તેમણે કહ્યું એ યોગ્ય નથી, તો હું તેમની ટીકા કરું છું, પરંતુ હવે જ્યારે તેમણે સારા કામ કર્યા છે તો મે પ્રશંસા પણ કરી.” તો મહારાષ્ટ્ર સરકાર પર તેમણે કહ્યું કે, “હું રંગ બદલનારી સરકારોની સાથે નથી જતો.” રાજ ઠાકરેનો ઇશારો શિવસેના તરફ હતો જેણે કેટલાક મહિના પહેલા કૉંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી છે.