રાજસ્થાનઃ ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગ, 3ના મોત, 2 ઘાયલ

August 08, 2022

સીકર : રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગના કારણે 3 લોકોના મોત થઈ ગયા છે અને આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. આજે સવારે 5:00 વાગ્યાની આસપાસ મંદિરમાં માસિક મેળા દરમિયાન આ નાસભાગ મચી હતી. ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.

પોલીસને જણાવ્યા પ્રમાણે લગભગ સવારે 5:00 મંદિરના પ્રવેશ દ્વાર પર નાસભાગ મચી ગઈ હતી. ગેટ ખુલવાની રાહ જોતા મંદિરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. ગેટ ખોલતાની સાથે જ એક મહિલા બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જેના કારણે તેની પાછળ અન્ય લોકો પણ પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો અને બે ઘાયલ થયા હતા. સીકર પોલીસના એસપી કુંવર રાષ્ટ્રદીપે જણાવ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે.