રાજકોટ ઃ ભાજપના કાર્યકરની છરીના ઘા ઝિંકી ઘાતકી હત્યા

August 03, 2020

પાડોશી દૂધના વેપાર કરતા પિતા-પુત્ર સાથે ઘરની પાસે દૂધ-છાશ ન ઢોળવા બાબતે તરકાર ઃ પિતા-પુત્ર પણ હુમલા


રાજકોટ- રાજકોટમાં મોડી રાત્રે દૂધની ડેરી પાસેની લાખાજીરાજ સોસાયટીમાં ભાજપના કાર્યકર આરીફ ગુલામહુશેન ચાવડા(ઉ.વ.૪૦)ની બે શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. સામાપક્ષે પાડોશમાં જ રહેતા હુમલાખોર પિતા-પુત્ર પર પણ ખૂની હુમલો થયો હતો. આ હત્યા અને ખૂનના પ્રયાસના બનાવમાં ઘવાયેલા અને સારવાર માટે ખસેડાયેલા પિતા-પુત્ર પર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જયારે એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા તેને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.

આ બનાવમાં આરોપી છાશ અને દૂધનો વ્યવસાય કરતો હોઈ અને આરીફ અને આરોપીના ઘર બાજુ-બાજુમાં આવેલા હતા જેથી આરોપીઓ ઘર પાસે બગડેલા દૂધ અને છાશ ઢોળતા હોઈ તેને કોરોના સામે સાવચેતી રાખવા અને રસ્તા પર છાશ ઢોળવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓ છરીના આડેધડ ઘા ઝીંકી દેતા આરીફનું ખાનગી હોસ્પિટલમાં જ મોત નિપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાસેની લાખાજીરાજ સોસાયટીમાં રહેતાં ભાજપના કાર્યકર આરીફ ગુલામહુશેનભાઇ ચાવડા(ઉ.વ.૪૦)રાતના સુમારે તેમના ઘર પાસે હતા ત્યારે ધસી આવેલા બે શખ્સોએ તેના પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયેલા આરીફ ચાવડાને સારવાર માટે સ્ટર્િંલગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. સામાપક્ષે તેની પાડોશમાં રહેતાં વસીમ ઉર્ફે ટકો અબ્દુલ ખેભર છાશવાળા તરીકે ઓળખાતા વસીમ અને તેના પિતા અબ્દુલ ઓસમાણ પર આરીફ,ગુલામહુસેન,આબીદ, ઈરફાન અને ઉસ્તાકે ધારીયા વડે ખૂની હુમલો કર્યો હોવાની સિવિલ હોસ્પિટલ ચોકીમાં એન્ટ્રી નોંધાવાઈ હતી. એ બન્નેને સારવાર માટે  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમના પરિવારજનો હોસ્પિટલ પર એકત્ર થઇ ગયા હતાં.

તેના પગલે હોસ્પિટલ અને લાખાજીરાજ સોસાયટી વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દૂધની ડેરી પાસે ભાજપના કાર્યકર આરીફ ચાવડાની હત્યા થયાની જાણ થતાં થોરાળા પોલીસ બનાવસ્થળ અને હોસ્પિટલ પર પહોંચી ગઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ભાજપના કાર્યકર પર વસીમ અને તેના પિતા અબ્દુલે છરીથી હુમલો કરીને હત્યા કર્યાનું ખુલ્યું હતું. બાદમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, મૃતક આરીફ અને આરોપી વસીમના ઘર નજીકમાં જ આવેલા છે. વસીમ, તેના પિતા અબ્દુલ ઉસ્માન તેમજ પિતરાઇ રમીઝ ઇકબાલ ખેભર ઘર પાસે દૂધ અને છાશનો ધંધો કરે છે. તેને મૃતક આરીફે વસીમ અને રમીઝને બગડેલી છાશ અને દૂધ ઘર પાસે ઢોળવાની ના પાડી હતી અને કોરોના સામે સાવચેતી રાખવા જણાવ્યું હતું.

આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં આરીફ પર છરીથી હુમલો કરાયો હતો. તેમા તેનું મૃત્યુ થયું હતું. આ હુમલાના બનાવ બાદ દૂધ, છાશના ધંધાર્થી વસીમ ઉર્ફે ટકો છાશવાળા અને તેના પિતા અબ્દુલ ઉસ્માન પર છરી,ધારિયાથી હુમલો થયો હતો. એ બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.પોલીસની પુછપરછમાં ઇજાગ્રસ્ત પિતા-પુત્રે આરીફ, આબીદ, મુસો અને ઇરફાન વગેરેએ છરી અને ધારિયાથી હુમલો કરીને ઇજા કર્યાનું જણાવ્યું હતું.

આ હત્યા અને ખૂનીહુમલાના બનાવના પગલે લાખાજીરાજ સોસાયટીમાં નાસભાગ અને દેકારો મચી ગયો હતો. થોડા સમય માટે તંગદિલી ફેલાઇ હતી.બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જતા મામલો થાળે પડયો હતો. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.આરીફના મૃત્યુ બાદ તેના ભાઈ મુસ્તકે વસિમ અને તેના પિતા અબ્દુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૃતક આરીફ ચાવડા ચારભાઇમાં મોટો હતો તેમજ ભાજપના લધુમતિ મોરચાનો કાર્યકર હતો. સિવિલમાંથી સવારે એક આરોપીને રજા આપતા પોલીસે તેને અટકમાં લઈ પૂછપરછ આદરી છે.