રાજકોટના કલેકટર રેમ્યા મોહનનો કોરોના પોઝિટિવ

September 16, 2020

રાજકોટઃ રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ ઝપટે ચડી ગયા છે. છેલ્લા સાત મહિનાથી રાત-દિવસ, એક પણ રજા રાખ્યા વગર સતત કોરોનાની કામગીરી કરતાં રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની આજે સવારે તબિયત થોડી નાદુરસ્ત થતા દરરોજના નિત્યક્રમ મુજબ સિવિલ હોસ્પિટલની વિઝીટે ગયા હતા. જયાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવતા ચકચાર મચી ગઇ છે. કલેકટર રેમ્યા મોહન હવે હોમ આઇસોલેટ થયા છે અને કલેકટર બંગલેથી ચોક્કસ કામગીરી કરશે. કલેકટરનો એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે અને હોમ આઇસોલેટ થયા છે તે વાતને અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ સમર્થન આપ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન ગત નવેમ્બર ૨૦૧૯ થી સતત પ્રવૃત રહ્યા છે. પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી કામગીરી સતત ત્રણ મહિના કર્યા બાદ માર્ચ માસથી સતત કોરોના વચ્ચે રાત-દિવસ લડયા છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગત સપ્તાહે આરોગ્યના અગ્ર સચિવ જયંતિ રવિ સતત ૧૩ દિવસ રાજકોટ રોકાયા હતા ત્યારે સતત તેમની સાથે દોડધામ કરી હતી. સિવિલ, સમરસ, કેન્સર હોસ્પિટલોમાં સતત અવર-જવર રહેતી હતી. દરમ્યાન દરરોજ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિગતો મેળવવા દરરોજ જિલ્લા કલેકટર રેમ્યા મોહન સિવિલમાં બે-ચાર કલાક રોકાતા હતા. દરમ્યાન ગઇકાલ સાંજથી તેમની તબિયત નાદુસ્રત થઇ હતી. આજે સવારે સિવિલ હોસ્પિટલ ગયા હતા. જયાં તબિયત નબળી જણાતા એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝીટીવ જાહેર થતા તુરંત તેમના નિવાસ સ્થાને નીકળી ગયા હતા. ૧૪ દિવસ હોમ આઇસોલેટ થયા છે. વધારાના ટેસ્ટ પણ કરાવવામાં આવશે. અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે કલેકટર રેમ્યા મોહનને કોરોનાના હળવા લક્ષણો છેફ. હાલ ૧૪ દિવસ હોમ આઇસોલેટ થયા છે.