રાજકોટ: સુપરસ્પ્રેડરને શોધી કાઢવા માસ ચેકિંગ કરાયું

August 02, 2020

રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા સુપરસ્પ્રેડરને શોધી કાઢવા માટે માસ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાનમાં આજે શાકભાજીના 6 ફેરિયા પોઝિટિવ આવ્યા છે. જ્યારે અન્ય 613ને લક્ષણો જોવા મળ્યા છે. આ ફેરિયાઓને તાત્કાલિક દાખલ કરી સારવારની તજવીજ હાથ ધરાઈ છે.
કોરોના પોઝીટીવ દર્દીઓની વિગતો જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યા બાદ રોજ આંકડાબાજીમાં કરવામાં આવી રહેલા બદલાવ વચ્ચે વાસ્તવિકતા જાણવી મુશ્કેલ બની છે. અનલોક-૩ની છૂટછાટો અને રાત્રી કર્ફયુમાંથી મળેલી મુક્તિ વચ્ચે રાજકોટવાસીઓએ હવે વધુ સતર્ક બનવું પડશે.
મહાપાલિકાએ નામ, સરનામું સહિતની વિગતો પર પડદો પાડી દીધો હોવાથી ગઈકાલે કેન્સર હોસ્પિટલની 3 નર્સને કોરોના હોવાનું બિનસત્તાવાર સામે આવ્યા બાદ આજે ખાનગી હોસ્પિટલના બે ડોકટર તથા શહેરના જાણીતા ઝવેરી કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળે છે. નામી, અનામી અનેક લોકો સરકારી અથવા ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા છે પરંતુ વિગતો જાહેર કરાતી નથી.