રાજ્યસભા સાંસદ અમરસિંહે દુનિયાને કહ્યું અલવિદા, છેલ્લા 6 મહિનાથી હતા બીમાર

August 01, 2020

નવી દિલ્હી :રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા છે. અમરસિંહ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા. તેઓ સિંગાપોર ખાતે સારવાર લઈ રહ્યા હતા. માહિતી મુજબ અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું. અમર સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા હતા.

આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટી(એસપી)ના પૂર્વ નેતા અમરસિંહનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. એક સમય ઉત્તરપ્રદેશનના કદાવર નેતાઓમાં શામેલ એવા અમરસિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહેલા મુલાયમ સિંહના નજીકના વ્યક્તિઓમાંથી એક હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.


અમરસિંહ હાલ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા. 5 જુલાઈ 2016ના રોજ તેઓ ઉચ્ચ સભ્ય પદ માટે ચૂંટાયા હતા. સમાજવાદી પાર્ટીથી અલગ થયા બાદ તેમની સક્રિયતા ઓછી થઈ હતી. જો કે, બીમાર થતા પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે તેમની નિકટતા વધી હતી. તેમણે રાજનીતિક સફરની શરૂઆત 1996માં રાજ્યસભાના સભ્ય તરીકે કરી હતી.


વર્ષ 2002 અને 2008માં પણ રાજ્યસભાના સભ્ય રહ્યા. એસપી નેતા મુલાયલ સિંહ યાદવ સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવાર સાથે પણ અમરસિંહના ખૂબ જ સારા સંબંધ હતા. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં આ સંબંધોમાં અવરોધ ઉભો થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમર સિંહે એક વીડિયો જાહેર કરી અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.

ભારતીય રાજકારણમાં અમરસિંહ એક એવું પાત્ર હતા કે તે કોઈપણ રાજકીય ખાંચામાં ફિટ બેસી શકતા હતા. અમરસિંહનું પીઆર વર્ક ભયંકર જબરજસ્ત હતું. તે ક્યારેક ઉદ્યોગપતિઓ સાથે ફરતા જોવા મળતા તો ક્યારેક ફિલ્મસ્ટારો અને અભિનેત્રીઓ સાથે પાર્ટીઓમાં ફોટા પડાવતા નજરે પડતા હતા. મુખ્યમંત્રી અને કેન્દ્રના મંત્રીઓ સાથે તેમની નિકટતા પણ જાણીતી હતી. એક જમાનો હતો કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અમરસિંહ પીવડાવે એટલું જ પાણી પીતા હતા. આટલા જ ગાઢ સંબંધો દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે પણ તેમના હતા.