રાકેશ ઝુનઝુનવાલા: રોકાણકારોના અસલી હીરો

August 20, 2022

  • 5000 રૂપિયાથી શેરોમાં રોકાણ શરૂ કરનારા ઝુનઝુનવાલા પાસે 44 હજાર કરોડની સંપત્તિ
  • શેરોના ભાવ ઘટે ત્યારે ખરીદવા અને વર્ષો સુધી ધીરજ રાખવી એ તેમની ખાસિયત હતી, આ ખાસિયતે જ તેમને ભારતીય શેરબજારના જાદુગર બનાવ્યા
રવિવારે વહેલી સવારે રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થઈ જતાં ભારતમાં શેરબજાર સાથે સંકળાયેલા લાખો લોકોને આંચકો લાગ્યો. ઝુનઝુનવાલાએ ગયા અઠવાડિયે ’અકાસા’ એરલાઇન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. તેના પરથી જ સ્પષ્ટ છે કે, ઝુનઝુનવાલાને પોતે લાંબું જીવશે એવો વિશ્વાસ હતો પરંતુ આ વિશ્ર્વાસ સાચો ના પડ્યો. ઝુનઝુનવાલાની ઉંમર માત્ર ૬૨ વર્ષ જ હતી. રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ મારવાડી પરિવારમાં થયો હતો. તેમના પિતા મુંબઈમાં ઇન્કમ ટેક્સ કમિશનર હતા.
મેડિકલ ટેકનોલોજીનો વિકાસ અને ધનવાન ઝુનઝુનવાલાની આર્થિક સ્થિતિ જોતા તેઓ ગમે તેટલી મોંઘી સારવાર મેળવી શકે તેમ હતા. આથી અચાનક જ તેમના મોતની સમાચાર આવે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. કેટલાક સમયથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. અને મોટાભાગે વ્હિલ ચેરમાં રહેતા હતા.
ડાયાબિટીસને કારણે તેમના પગ સૂઝી ગયા હતા. યુટ્યૂબ પર વાઇરલ થયેલા વીડિયોમાં તેઓ ‘કજરા રેકજરા રે’ગીત ઉપર ડાન્સ કરવા માગે છે, પણ વ્હિલચેર પરથી ઊભા થઈ શકતા નથી, તેનો રંજ તેમના ચહેરા પર દેખાયો હતો. ઝુનઝુનવાલાને કેટલાક સમયથી સિગાર અને શરાબની લત લાગી ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ‘‘હું માછલીની જેમ દારૂ પીઉં છું. જો મારી પાસે અત્યારે જેટલા રૂપિયા છે, તેના કરતાં ૧૦-૧૫ ટકા જેટલા રૂપિયા હોય તો પણ મારી જિંદગીમાં કોઈ ફરક પડશે નહીં.
હું અત્યારે જેવાં કપડાં પહેરું છુ, તેવાં જ કપડાં પહેરીશ. અત્યારે જે કાર વાપરું છું, તેવી જ કારમાં ફરીશ અને અત્યારે જે દારૂ પીઉં છું તે જ દારૂ પીશ. મને લાગે છે કે મારે થોડી સંયમિત જિંદગી જીવવી જોઈતી હતી. તેમણે પોતાની જિંદગીના છેલ્લા ૬ મહિના પૈકી ૪ મહિના બ્રીચ કેન્ડી હોસ્પિટલના બિછાના પર ગુજાર્યા હતા. રાકેશ ઝુનઝુનવાલાના મરણમાંથી તેમના ચાહકોએ બોધપાઠ ગ્રહણ કરવાની પણ જરૂર છે.
જો કે, આ જ માણસ શેરબજારના રોકાણકારો માટે હિરો પણ છે. કોલેજકાળમાં ૫૦૦૦ રૂપિયાથી શેરોમાં રોકાણ શરૂ કરનારા રાકેશ ઝુનઝુનવાલાની આજે ૪૪ હજાર કરોડની સંપત્તિ છે. ઝુનઝુનવાલાએ શેરોમાં રોકાણમાં હંમેશા નૈતિકતા સાથે કરીને એક નવો આદર્શ સ્થાપિત કર્યો છે. ભારતમાં શેરબજારના રોકાણકારોમાં હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા લોકો પણ એક સમયે હીરો બની ગયા હતા. જો કે, તે બંનેએ બૅંકોનું કરી નાંખીને સંપત્તિ એકઠી કરી અને તેથી તેમનો ફુગ્ગો ફૂટી ગયો. જયારે રાકેશ ઝુનઝુનવાલાએ કદીય અનૈતિકતા ના આચરી, તેથી તેમનો ફુગ્ગો મોટો થતો ગયો, કદી ફૂટ્યો નહીં. શેરમાર્કેટમાં રોકાણકારોની જીભે ઝુનઝુનવાલાનું નામ સતત રમ્યા કરતું, ઝુનઝુનવાલા શેરબજારમાં શું કરે છે તેના પર સૌની નજર રહેતી હતી. તેથી બહુ મોટાવર્ગમાં તેઓ લોકપ્રિય હતા. સામાન્ય રોકાણકારો શેરબજારમાં પૈસા ગુમાવી રહ્યાં હોય ત્યારે પણ ઝૂનઝૂનવાલાની કમાણી ચાલુ રહેતી. ઝુનઝુનવાલાને ઘણા બિગ બુલ કહે છે પણ વાસ્તવમાં ઝૂનઝૂનવાલા બેરીશ હતા. શેરોના ભાવ ઘટે ત્યારે ખરીદવા અને ધીરજથી રાહ જોવી એ તેમની ખાસિયત હતી. આ ખાસિયતે જ તેમને ભારતીય શેરબજારના જાદુગર બનાવ્યા.
રાકેશ ઝુનઝુનવાલાને ભારતના કેટલાક લોકોએ વોરેન બફેટ તરીકે પણ ઓળખ આપી છે. અલબત, ઝુનઝુનવાલાનો રસ માત્ર શેરબજાર પૂરતો મર્યાદીત નહોતો. થોડા સમય પહેલાં તેમણે એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો હતો. ઝુનઝુનવાલાએ નવી એરલાઇન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું. ૭ ઑગસ્ટથી આ કંપનીએ કામગીરી શરૂ પણ કરી હતી. રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા પાસે અકાસા એર શેરમાં સૌથી મોટો હિસ્સો છે. આ એરલાઇન કંપનીમાં કુલ હિસ્સો 45.97 ટકા છે. આ સિવાય વિનય દુબે, સંજય દુબે, નીરજ દુબે, માધવ ભાટકુલી, PAR કેપિટલ વેન્ચર્સ, કાર્તિક વર્મા પણ Akasa Airના પ્રમોટર છે. રાકેશ ઝુનઝુનવાલા પછી આ કંપનીમાં વિનય દુબેની ભાગીદારી 16.13 ટકા છે. અકાસા એરએ 13મી ઓગસ્ટથી તેની બેંગ્લોર-કોચી સેવા શરૂ કરી છે. 
સામાન્ય માન્યતા એવી છે કે, શેરબજારમાંથી જંગી કમાણી કર્યા બાદ તેમણે આ નવું સાહસ કર્યું છે પણ હકીકત કંઈ જુદી જ છે. 
ઝુનઝુનવાલા પહેલાંથી બે સફળ કંપની ચલાવી જ રહ્યા છે. એપ્ટેક ભારતમાં વોકેશનલ ટ્રેઈનિંગ સર્વિસ આપતી ટોચની કંપની છે. એરેના એનિમેશ સહિતની બ્રાન્ડ એપ્ટેકની છે. ઝુનઝુનવાલાએ શેરબજારમાંથી કમાણી કરી તેના બહુ પહેલાં એટલે કે ૧૯૮૬માં આ કંપની શરૂ કરી હતી અને ૧૯૯૯માં હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ કંપની બનાવી.
બાળકો માટેની હંગામા ટીવી ચેનલ અને બોલીવૂડ હંગામા વેબસાઈટ આ કંપનીની છે. ઝુનઝુનવાલા આ બંને કંપનીના ચેરમેન હતા. ઝુનઝુનવાલા શ્રીદેવીને નેશનલ એવોર્ડ અપનાવનારી ફિલ્મ ઈંગ્લીશ વિંગ્લીશના પણ નિર્માતા હતા. અલબત્ત તેમનો મુખ્ય રસ શેરબજાર જ હતો તેથી મુખ્ય ધ્યાન શેરબજારમાં રોકાણ પર જ કેન્દ્રિત કર્યું.
છેલ્લા એકાદ દાયકાથી જ તેમનું નામ સામાન્ય રોકાણકારોની જીભે રમતું થયું, બાકી ઝુનઝુનવાલા તો ચાર દાયકાથી રોકાણ કરતા હતા. માત્ર પાંચ હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરનારા રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિ ૪૪ હજાર કરોડ રૂપિયા થઈ એ શેરબજારમાં રોકાણનો જ પ્રતાપ છે. વળી, આખા જીવનમાં તેઓ કોઈ વિવાદમાં ફસાયા હોય એવું બન્યું નથી. એક અપવાદરૂપ કિસ્સામાં સેબી દ્વારા બે વર્ષ પહેલા કરાયેલી ઈનસાઈડર ટ્રેડિંગની ફરિયાદ થઈ હતી. 
રાકેશ ઝુનઝુનવાલા અને તેમનાં પત્ની રેખા બંને સામે સેબીએ તપાસ કરી તે સમયે ઝુનઝુનવાલાનો દાવો પોતે કશું ખોટું નહી કર્યું હોવાનો હતો પણ વિવાદ ચગે નહીં એ માટે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના સાથીઓએ ૩૫ કરોડ ભરીને વાતનો નિવેડો લાવી દીધો હતો. રાકેશ ઝુનઝુનવાલા શેરબજારને બિઝનેસ તરીકે લેતા હતા. લોકોનું કરી નાંખવા એવો વિચાર તેમનો કયારેય પણ રહ્યો નહીં. ઝુનઝુનવાલા શેરબજારના રોકાણકારો માટે એક મંત્ર મૂકતા ગયા છે. આ મંત્ર શેરબજારના દરેક રસિયાએ યાદ રાખવા જેવો છે. ઝુનઝુનવાલાએ શીખવ્યું કે, શેરોમાં રાતોરાત કમાણી કરીને કરોડપતિ નથી બનાતું, પણ ધીરજપૂર્વક વર્ષો સુધી રોકાણ કરવું પડે છે.
વોરન બફેટ સહિતના વિશ્વના મહાન રોકાણકારો સતત જે સલાહ આપ્યા કરે છે તેને ઝુનઝુનવાલાએ બરાબર પચાવી હતી, તેનો જિંદગીભર અમલ કર્યો અને તેના કારણે જ કોઈએ ધારી ના હોય એટલી સંપત્તિ ઊભી કરી. તેમનામાં શેરબજારના આંચકાઓને પચાવવાની હિંમત પણ હતી. સેન્સેક્સની 55000 પોઈન્ટ સુધીની સફરમાં અનેક ખુવાર થઈ ગયા પણ ઝુનઝુનવાલા ટકી ગયા. કેમ કે તેમનામાં ધીરજ હતી.