રામલલ્લા મંદિર ટ્રસ્ટ વિવાદમાં: 2 કરોડની જમીન 18 કરોડમાં ખરીદી

June 19, 2021

અયોધ્યામાં રામલલ્લાના મંદિરના નિર્માણ પહેલાં જ મોટો વિવાદ ઉભો થયો છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની હિલચાલ વચ્ચે રામમંદિર માટે જમીન સંપાદનમાં બે કરોડની જમીન ૧૧ જ મિનિટનમાં ૧૮.૫ કરોડમાં ખરીદાઇ હોવાનો આરોપ ઉઠતા ભૂકંપ જેવી સ્થિતિ ઊભી થઇ છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પવન પાંડેએ આક્ષેપ કર્યો છે કે, રામ મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે જમીનની ખરીદીમાં કરોડો રૂપિયાનાં કોઠાં-કબાડાં કર્યાં છે. પાંડેના આક્ષેપ પ્રમાણે એક જમીન મૂળ માલિક પાસેથી માત્ર બે કરોડ રૂપિયામાં બે બિલ્ડર દ્વારા ખરીદાઈ હતી અને માત્ર ૧૧ મિનિટ પછી એ જ જમીન ટ્રસ્ટે ૧૮.૫૦ કરોડ રૂપિયા આપીને ખરીદી છે.  માત્ર ૧૧ મિનિટમાં જમીનનો ભાવ નવ ગણો થઈ ગયો હોય એવો દુનિયાનો આ પહેલો કિસ્સો છે. પાંડેએ પોતાની વાતના સમર્થનમાં આ બંને સોદાને લગતા દસ્તાવેજો પણ મૂક્યા છે. આ બંને સોદામાં સાક્ષી તરીકે અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય છે. તેથી પાંડેએ ભાજપ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. પાંડેનું કહેવું છે કે, ભાજપ અને હિંદુવાદી સંગઠનોના નેતાઓએ ભગવાન રામના નામે દલ્લો ઘરભેગો કરી દીધો છે. 
સૌથી મહત્વની વાત એ છે કે જમીન સોદામાં ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેષ ઉપાધ્યાય સાક્ષી હતા. ટ્રસ્ટ દ્વારા જે 2 કરોડની જમીન 18.5 કરોડમાં ખરીદવામાં આવી, તેનો સર્કલ રેટ 5 કરોડ 80 લાખ જ હતો, જ્યારે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું કે જમીન 18.5 કરોડમાં ખરીદવામાં આવી, તે માર્કેટ રેટથી ઘણી સસ્તી છે. મહેસૂલ વિભાગથી જોડાયેલા એક મોટા અધિકારીનું માનીએ તો કોઈ પણ જમીનને જો સરકાર લે છે તો શહેરી ક્ષેત્રમાં સર્કલ રેટથી બમણા અને ગ્રામીણ ક્ષેત્રમાં 4 ઘણાથી વધારે વળતર ના આપી શકાય, પરંતુ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યા નગર વિસ્તારમાં જે જમીન ખરીદાઈ તે સર્કલ રેટથી 3 ઘણા વધારે ભાવમાં લેવામાં આવી છે. શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર લાગેલા જમીન ગોટાળાના આરોપમાં નેતાઓ બાદ હવે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ નિવેદન આપી નારાજગી બતાવી છે.
પીઠાધીશ્વર જગતગુરુએ નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વરમાં પરમહંસી ગંગા આશ્રમમાં પ્રેસ કોન્ફ્રન્સ કરી તેઓએ RSS અને  BJP પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતુ કે, ચંપતરાય કોણ છે તે પહેલાં કોઈ જાણતું પણ નહોતું, પરંતુ તેઓને રામમંદિર ટ્રસ્ટમાં સર્વે સર્વા બનાવી દેવામાં આવ્યા છે. મંદિર બનાવવા માટે જે રકમ મળી તેમાંથી મોંઘા ભાવે જમીન ખરીદવામાં આવી રહી છે. વડા પ્રધાને તેમને તાત્કાલિક રામજન્મભૂમિ ટ્રસ્ટના સચિવપદેથી હટાવી દેવા જોઈએ. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, ડો. પ્રવીણ તોગડિયાએ રામ મંદિર ટ્રસ્ટ પર થયેલા કૌભાંડના આરોપને ખૂબ જ કમનસીબ ગણાવ્યા છે. તોગડિયાએ કહ્યું કે, આ આરોપ કોઈ ચંપત રાય પર નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલી રહેલા હિન્દુ આંદોલનની ઇમાનદારી પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભુ કરે છે. આક્ષેપો સામે સ્પષ્ટતામાં જે ખુલાસા આપવામાં આવી રહ્યા છે તેનાથી સહમત થવું મુશ્કેલ છે. 
જો કે, બીજી તરફ ટ્રસ્ટે જમીન ખરીદીને લઈને ઉઠેલા આક્ષેપોને બકવાસ અને રાજકીય ગણાવીને સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શી હોવાનો દાવો કર્યો છે. ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું કહેવું છે કે, જમીનના માલિકો સાથે જમીનના ખરીદદારોએ વરસો પહેલાં એ વખતના ભાવ પ્રમાણે કરાર કર્યા હતા. આ વર્ષના માર્ચ મહિનામાં જમીનનો દસ્તાવેજ એ જ ભાવે થયો અને પછી હાલના બજાર ભાવે આ જમીનનો દસ્તાવેજ ટ્રસ્ટના નામે કરી દેવાયો. રાયની દલીલ ગળે ઉતરે તેવી નથી. 
જમીનના દસ્તાવેજમાં જમીનની કિંમત જમીનનો સોદો ક્યારે થયેલો તેના આધારે લખાતી નથી. પણ દસ્તાવેજ થાય ત્યારે સરકારી નિયમ પ્રમાણે લાગુ પડતી જંત્રી પ્રમાણે થાય છે. આ જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ લાગુ પડે છે અને દસ્તાવેજમાં એ જ રકમનો ઉલ્લેખ થાય છે. હવે જે જમીનની કિંમત અત્યારે જંત્રી પ્રમાણે બે કરોડ રૂપિયા નક્કી થઈ હોય તેની કિંમત દસ મિનિટ પછી સાડા અઢાર કરોડ રૂપિયા કઈ રીતે થઈ જાય? ચંપત રાયે આ સવાલનો જવાબ ટાળ્યો છે. ચંપત રાયે કેટલા સમય પહેલાં આ સોદો થયેલો તેની વિગતો પણ આપી નથી. તેના કારણે શંકા વધારે પ્રબળ બને છે. ત્રીજો મુદ્દો સરકારને થતા નુકસાનનો છે. 
એક જ જમીનના દસ મિનિટના ગાળામાં બે અલગ અલગ રકમ પ્રમાણે દસ્તાવેજ થાય એ સંજોગોમાં સરકારને ચૂકવાયેલી સ્ટેમ્પ ડ્યુટીની રકમનો ફટકો પડ્યો છે. ટ્રસ્ટ બજાર ભાવે જમીન ખરીદ્યાનો દાવો કરે છે, જ્યારે પહેલો દસ્તાવેજ બે કરોડ રૂપિયાનો થયો છે એ જોતાં ગેરરીતિ થયાની શંકા જાય છે. હવે મુખ્ય સવાલ એ છે કે, ટ્રસ્ટે આ બધી વિગતો પહેલા કેમ જાહેર ના કરી ? આ બંને સોદા આ વરસના માર્ચ મહિનામાં એટલે કે ત્રણ મહિના પહેલાં થયા હોવાનું કહેવાય છે. ટ્રસ્ટે પારદર્શકતા બતાવીને એ વખતે જ આ સોદાની વિગતો જાહેર કરવી જોઈતી હતી. આ તો સમાજવાદી પાર્ટીના ધારાસભ્યે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો એ પછી ટ્રસ્ટવાળા ચોખવટો કરવા લાગ્યા છે. ચંપત રાયે આક્ષેપોને રાજકીય ગણાવીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો છે. જો કે રામ જન્મભૂમિ મંદિર માટેની જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સામે થયા છે ત્યારે સવાલ એ છે કે, વખતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને સંઘ એક છે? ચંપત રાયનું વલણ એવું જ ચિત્ર ઊભું કરી રહ્યું છે.
મોદી સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ. કેમ કે આ ટ્રસ્ટ સંઘનું પણ નથી. આ ટ્રસ્ટ ભારત સરકારે બનાવેલું ટ્રસ્ટ છે. તેને સંઘ કે બીજા કોઈ સંગઠન સાથે કોઈ લેવાદેવા નથી. જાહેર જીવનમાં પડેલા લોકોના વ્યવહાર અને વર્તન એવાં હોવાં જોઈએ કે, કોઈ આંગળી પણ ના ચીંધી શકે. કોઈ આંગળી ચીંધે તેનો અર્થ એ થાય કે, તમારા વ્યવહાર અને વર્તનમાં પારદર્શિતા નથી. મર્યાદા પુરૂષોત્તમ રામનું ચારિત્ર્ય અણિશુધ્ધ છે અને તેમણે જે ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યા તેના માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. રાવણના વધ પછી અયોધ્યા પાછા ફરેલા ભગવાન રામે એક ધોબીની વાત સાંભળીને સીતા માતાનો ત્યાગ કર્યો હતો. આમ કરીને ભગવાન રામે સ્પષ્ટ કરી દીધેલું કે, પ્રજાજનોમાંથી એક વ્યક્તિને પણ શંકા થાય એવું કશું શાસકે ના કરવું જોઈએ. આપણે વિચારવું જોઈએ કે, ભગવાન રામનું મંદિર બનાવવા નિકળેલા ચંપત રાય જેવા લોકો પોતે ભગવાન રામના આ સિદ્ધાંતમાં માનતા નથી.