રેમડેસિવીરની ફરી સર્જાઇ તીવ્ર અછત

September 21, 2020

મુંબઇ : કોવિડ-19ના ઉપચાર માટે માન્ય કરાયેલી અત્યંત મહત્વની દવાઓ પૈકીની એક રેમડિસિવીરની ફરી પાછી તીવ્ર અછત સર્જાઇ છે. કોરોનાગ્રસ્ત દરદીના પરિવારજનોએ ઇન્જેક્શન દ્વારા અપાતી આ દવાનાં વાયલ (બોટલ) કાળા બજારમાં મેળવવા માટે ફરી પાછાં ફાંફાં મારવા પડે છે.

મે-જૂનમાં મોટા પ્રમાણમાં ઓર્ડર આપવામાં આવ્યા હોવાથી સરકારી તથા પાલિકાની હોસ્પિટલોમાં રેમડેસિવીરનો કેટલોક જથ્થો હજુ ઉપલબ્ધ છે, પરંતુ ખાનગી હોસ્પિટલોને તેની અછતની ખાસ્સી એવી અસર પહોંચી છે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં પણ રેમડેસિવીરનો જથ્થો ખલાસ થતો જતો હોવા સાથે તેનો સંભાળપૂર્વક જરૂર જેટલો જ ઉપયોગ કરવમાં આવે છે.

સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે આ દવાની અછત માટે ત્રણ કારણો જવાબદાર છે. જેમાં અનલોક 4.00 તથા ગણેશોત્સવ બાદ કોવિડ કેસોમાં થયેલો વધારો રેમડેસિવીરની મોટા પાયા પરની નિકાસ તથા વિક્રેતાઓ આ દવાની વધુ કિંમત મળતી હોય તેવાં રાજ્યો તરફ અધિક ધ્યાન આપતા હોવાના કારણનો સમાવેશ થાય છે.

રેમડેસિવીરનો જથ્થો મેળવવામાં હોસ્પિટલોને સહાયક બનતા એક આરોગ્ય કન્સલટન્ટે કહ્યું હતું કે આ દવા મળવા બાબતે સ્થિતિ મે-જૂનમાં હતી તેટલી ખરાબ નથી, પરંતુ તેની અછત ચિંતાજનક છે. અનેક મોટી હોસ્પિટલોમાં તેનો જથ્થો ખલાસ થઇ ગયો છે. મુંબઇ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)માંની પાલિકાની હોસ્પિટલોમાં પણ રેમડેસિવીર નથી અને કોવિડ કેસ સર્વત્ર વધી રહ્યા છે.

ગયા મહિને જ વધુ કેટલાંક કંપનીઓને રેમડેસિવીરના ઉત્પાદનની મંજૂરી મળતાં તેની કિંમત ઘટીને વાયલ દીઠ રૃા. 2૬2૬ થઇ હતી. જ્યારે જુલાઇમાં કિંમત એક વાયલના રૃા. ચાર હજારની હતી. મે-જૂનમાં અછત અત્યંત તીવ્ર હતી ત્યારે કાળાબજારમાં તેના રૃા. 20 હજાર સુધી લેવાતા હોવાના અહેવાલ હતા.

લિલાવતી હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. જબીલ પાર્કરે કહ્યું કે અત્યાર સુધી તો અમારે ત્યાં રેડેસિવીરની વ્યવસ્થા કરાઇ છે પણ એકાદ સપ્તાહમાં નવો સ્ટોક ન આપો તો અમારી સ્થિતિ ફરી પાછી મે-જૂનમાં હતી તેવી થઇ જશે.

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં તો આ દવાની ઉપલબ્ધિ બાબતની સ્થિતિ ઘણી ખરાબ છે એમ અન્ય એક ડોક્ટરો કહ્યું હતું.