કાર્બન ઉત્સર્જન ઘટાડવા વિશ્વનું ભારત પર દબાણ
November 13, 2021

- 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં નેટ-ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા ભારતની જાહેરાત
- પેટ્રોલિયમ અને કોલસાનો બેફામ વપરાશ કરનારા દેશો વિકાસશીલ દેશો પર પ્રદૂષણ બંધ કરવા દબાણ કરવા માંડ્યા, ભારત આજે દુનિયાના કુલ કાર્બન ઉત્સર્જનના 5% માટે જવાબદાર
ભારતે વાતચીત શરૂ થવાની ખુશી વ્યક્ત કરી છે. અમેરિકાનું મુખ્ય લક્ષ્ય ભારતને ૪૫૦ ગિગાવૉટની નવી ઊંચાઈના લક્ષ્યને પ્રાપ્ત કરાવવાનું છે. આ લક્ષ્યને પામવા માટે સ્વચ્છ ઊર્જાના પ્રયોગને વધારવા સાથે વૃક્ષારોપણ જેવા ઉપાય અપનાવવા પડશે. હાલમાં તો ૫૦ ડિગ્રી કે તેથી વધુ ઉપર તાપમાન હોય તેવા દિવસની સંખ્યા વધી ગઈ છે. ચીન દુનિયાનો સૌથી વધુ કાર્બન ઉત્સર્જક દેશ ગણાય છે. ચીન લાંબા સમય પહેલાંથી જ ઘોષણા કરી ચૂક્યું છે કે, તે ૨૦૬૦ સુધી કાર્બન ન્યુટ્રલ બની જશે. વળી ચીને એવું પણ કહ્યું છે કે, ૨૦૩૦ સુધીમાં ચીન કાર્બન ઉત્સર્જનની ચરમ ઉપર પહોંચી જશે. વળી, ચીન નવા કોલસા ઉત્પાદનને લઈને આપત્તિ પણ ઊભું કરી રહ્યું છે.
કાર્બન ઉત્સર્જક દેશ તરીકે બીજું નામ અમેરિકાનું છે. અમેરિકાએ ૨૦૫૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમેરિકાનું કહેવું છે કે, તે ૨૦૩૫ સુધીમાં તેમના પાવર સેક્ટરને ડી-કાર્બોનાઈઝ કરી દેશે. દુનિયાના ત્રીજા નંબરે કાર્બન ઉત્સર્જક દેશમાં ભારતનું સ્થાન છે. ભારતે આ અંગે સંયુક્ત રાષ્ટ્રને હજી સુધી કોઈ પ્રસ્તાવિત યોજના આપી નથી. પેરિસ સમજૂતી કે કરાર પ્રમાણે પ્રત્યેક પાંચ વર્ષે તે આપવું આવશ્યક છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, સમજૂતીમાં ભાગ લેનાર ૧૯૧ દેશોમાંથી હજી સુધી ૧૧૩ દેશોએ જ સારી યોજના રજૂ કરી છે.
પેરિસ જળવાયુ સમજૂતીનો ઉદ્દેશ વૈશ્વિક સ્તરે વધેલા તાપમાનને ૨ ડિગ્રી સુધી લાવવાનું છે. અત્યાર સુધીમાં પ્રસ્તુત કરવામાં આવેલી જળવાયુ યોજનાઓની સમીક્ષા થતા એટલું સ્પષ્ટ થયું છે કે, ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ૧૬ ટકા વધશે. જેને કારણે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં તાપમાનની તુલનામાં ૨.૭ સેન્ટિગ્રેડનો વધારો સંભવ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં તો દુનિયા ૧.૧ ડિગ્રી વધુ ગરમ બની ચૂકી છે. પેરિસ સમજૂતીના લક્ષ્યને પામવું હશે તો ૨૦૩૦ સુધી વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ૪૫ ટકા ઘટાડો કરવાની આવશ્યકતા છે.
ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઑન ક્લાઈમેટ ચેન્જ દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, પૃથ્વીની કેટલીક જળવાયુ પ્રણાલી પહેલાં કરતાં પણ વધુ અસંતુલિત બની છે. ગ્લાસ્ગોમાં જળવાયુ શિખર સંમેલન કોપ(૨૬)થી પણ આશા રાખવામાં આવી રહી છે કે જે દેશોએ હજી સુધી યોજનાઓ તૈયાર કરીને આપી નથી તે તૈયાર કરીને આપી દે, જેને રાષ્ટ્રીય સ્તર ઉપર નિર્ધારિત યોગદાન તરીકે જોવામાં આવે છે. જેથી હાલમાં દુનિયાભરની નજર ભારત ઉપર મંડાયેલી છે.
દિલ્હી યાત્રા દરમિયાન જૉન કેરીએ પણ નેટ ઝીરો એજન્ડાની ઉપર વધુ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઊભરતી પ્રાધૌગિકને વિકસિત કરવા તેને વધારવાની આવશ્યકતા છે, જે નેટ ઝીરો ટ્રાન્જિશન માટે મહત્ત્વપૂર્ણ હશે. તેના ઉપર વધુ ભાર દઈને કામ કરવાની આવશ્યકતા છે. જો કે, અમેરિકી દૂતના પ્રવાસ દરમિયાન ભારતના જળવાયુ પરિવર્તન વિભાગના પ્રધાન ભૂપેન્દ્ર યાદવે ન તો નેટ ઝીરો ઉપર કોઈ ટિપ્પણી કરી કે ન તો કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના લક્ષ્ય વિશે કંઈ જણાવ્યું. જૉન કેરીએ પોતાની ભારતની મુલાકાતના અંતમાં અક્ષય ઊર્જા વિશે ભારતના ટ્રેક રેકોર્ડની પ્રશંસા કરી હતી. તેઓ પણ નેટ ઝીરો તથા ઉત્સર્જનમાં ઘટાડો કરવા વિશે કંઈ પણ બોલ્યા ન હતા.
અલબત, તેમણે એટલું જરૂર કહ્યું કે હું આશા રાખું છું કે ભારત ટૂંક સમયમાં જ કંઈ એવી યોજનાની ઘોષણા કરશે જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. ગત અઠવાડિયે જ ગ્લાસગો ખાતે ચાલી રહેલી ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-૨૬ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે ભારત વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ-ઝીરો કરવાનું લક્ષ્યાંક હાંસલ કરી દેશે. જોકે આ સમયસીમા પર્યાવરણશાસ્ત્રીઓએ નેટ-ઝીરો ઉત્સર્જન માટે આપેલી સમય મર્યાદા ૨૦૫૦ કરતા બે દશક વધારે છે.
વડાપ્રધાને કહ્યું કે ભારતમાં દુનિયાની ૧૭ ટકા વસતી રહે છે. પરંતુ દેશ દુનિયાના કુલ કાર્બન ઉત્સર્જનના પાંચ ટકા માટે જ જવાબદાર છે. ભારત પુન:પ્રાપ્ય ઉર્જાનો વપરાશ વધારશે અને ૨૦૩૦ સુધી ભારતની કુલ ઉર્જામાંથી અર્ધી ઉર્જા જરૂરિયાત પુન:પ્રાપ્ય ઉર્જાથી પૂરી થશે. અત્યારે ભારતના કુલ ઉર્જા વપરાશનો ૩૮ ટકા હિસ્સો પુન:પ્રાપ્ય ઉર્જામાંથી આવે છે. ક્લાયમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ તૈયાર કરતી વખતે આ વાત પર ખાસ ભાર મૂકવામાં આવે છે કે કોઇ દેશે કોલસાનો વપરાશ ઓછા કરવા સહિત એવા કયા ઉપાયો પ્રયોજ્યા છે જેમાં ઝેરી ગેસોનું ઉત્સર્જન ન થાય. ભારતે છેલ્લા થોડા સમયમાં આ દિશામાં જે કામ કર્યું છે એ તેના નિર્ધારિત લક્ષ્ય કરતા પંદર ટકા વધારે છે. જોકે વૈશ્વિક સ્તરે ઘણાં દેશોએ કોલસા પરની નિર્ભરતા ઓછી કરવાની દિશામાં ગંભીરતા દર્શાવી છે. અત્યાર સુધી જે ૫૭ દેશો સૌથી વધારે કાર્બન ઉત્સર્જિત કરી રહ્યાં હતાં એમાંના ૩૧ દેશોએ કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે બીજા વિકલ્પો અજમાવવાની શરૂઆત કરી દીધી છે.
જોકે ભારત સહિતના અનેક વિકાસશીલ દેશો માટે આમ કરવું આસાન નથી. આજે પણ દેશના અનેક ગામડાઓમાં ઉબડખાબડ રસ્તાઓ અને કાચી પગદંડીઓ છે. આવા ગ્રામ્ય વિસ્તારોમાં સૂરજ ઢળતા જ અનેક સમસ્યાઓની શરૂઆત થાય છે. આવા ગામડાઓમાં વીજળી વિના રહેતા લોકો કેરોસીનથી ચાલતા લેમ્પના અજવાળે કામ કરે છે. રાંધવા માટે કોલસાનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, બળતણના કારણે તેમના સ્વાસ્થ્યને પણ માઠી અસર થાય છે. આછી રોશની અને ધુમાડાથી ભરેલું ઘર લોકોને બીમાર કરી દે છે.
પાયાનું સમાધાન એ જ છે કે ૧.૩ અબજની વસતી ધરાવતા દેશમાં દરેક ઘર સુધી વીજળી પહોંચે. આજે ભારતની લગભગ આઠ ટકા વસતી વીજળીની ગ્રીડથી વંચિત છે. આજે ભારત ભલે દુનિયાની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાં સામેલ હોય પરંતુ અનેક લોકોને ૨૪ કલાક વીજળી મળતી નથી. ભારતમાં માત્ર ઘરેલુ સ્તરે જ નહીં પરંતુ ઔદ્યોગિક સ્તરે પણ મોટા પ્રમાણમાં કોલસાનો વપરાશ થાય છે. એ સંજોગોમાં કોલસાનો ઉપયોગ બંધ કરવો અશક્ય છે. હકીકતમાં ક્લાયમેટ ચેન્જ માટે ઔદ્યોગિક દેશો જ જવાબદાર છે. આ દેશોએ સમસ્યાના સમાધાનમાં સૌથી આગળ રહેવું જોઇએ અને પોતાની જવાબદારી નિભાવવી જોઇએ.
Related Articles
સોનાલીની હત્યાઃ કારણોના વમળમાં ઘૂંટાતુ રહસ્ય
સોનાલીની હત્યાઃ કારણોના વમળમાં ઘૂંટાતુ ર...
Sep 03, 2022
ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું તર્પણ
ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું...
Aug 06, 2022
લફરાંમાં પાવરધા સુષ્મિતા-લલિતની વધુ એક કહાની
લફરાંમાં પાવરધા સુષ્મિતા-લલિતની વધુ એક ક...
Jul 25, 2022
Trending NEWS

સીતારમણનું 5મું બજેટ:નાણામંત્રીની જાહેરાત- આઈડી તર...
01 February, 2023
.jpg)
કેનેડાના એક મંદિરની દીવાલો પર ભારત વિરોધી અને ખાલિ...
01 February, 2023

બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ અને નિ...
01 February, 2023

ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટની જનતા પર...
31 January, 2023

આસારામને આજીવન કેદની સજા:સુરતની સગીરા પર દુષ્કર્મન...
31 January, 2023

ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટ...
31 January, 2023

કરીના આગામી ફિલ્મમાં કેટ વિન્સલેટની નકલ કરશે
31 January, 2023

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી -...
31 January, 2023

આર્યન ખાને લખેલી વેબ સીરિઝ ખરીદવા પડાપડી
31 January, 2023

કર્ણાટકમાં કૈલાસ ખેર પર બોટલો ફેંકી હુમલો
31 January, 2023