મહેસાણાની દૂધ સાગર ડેરીમાં વહીવટદાર અંગે રજિસ્ટ્રારની નોટિસ

July 29, 2020

મહેસાણાઃ રાજયના સહકારી રજિસ્ટ્રારે ઘીમાં ભેળસેળના વિવાદ ઉપરાંત અન્ય ૧ર વિવાદાસ્પદ મુદ્દા આવરી લઈ દૂધ સાગર ડેરીમાં વહીવટદાર મુકવા માટે કલમ ૮૧ હેઠળ નોટિસ ફટકારી છે અને આગામી ૪, ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે ખુલાસો કરવા હુકમ કર્યાે છે. દૂધ સાગર ડેરીના સત્તાધીશો સામે ફેડરેશન અને વહીવટી તંત્ર આવી ગયાં છે. મહેસાણા જિલ્લા કલેકટરે ચૂંટણીની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ આજે રાજ્ય રજિસ્ટ્રારની નોટિસ આપી છે. ઘીમાં ભેળસેળ પકડાતાં દૂધ સાગર ડેરીને રૂ.૪૦ કરોડના નુકસાન માટે એમડીને જવાબદાર ઠરાવાયા હતા અને રાજય રજિસ્ટ્રારના આદેશના પગલે તેમને દૂર કરી અન્ય અધિકારીને ચાર્જ સોંપાયો હતો. ઉપરાંત શોકોઝ નોટિસમાં કર્મચારીઓને બોનસ પગાર આપી પરત લેવા બાબત, ખોટી ભરતી કરવા અને ખોટા માણસોને નિયામક મંડળની મિટિંગમાં હાજર રાખવા મુદ્દે, કેટલીક દૂધ મંડળીઓને સભાસદ ન બનાવવા, ખોટા ઠરાવો કરવા, ખાલી ડિરેકટરની જગ્યા નહીં ભરવા, સાધારણ સભામાં જૂઠાણાં ચલાવી ગેરમાર્ગે દોરવા, ખોટા એજન્ડા કાઢવા, પેટા કાયદાનું ઉલ્લંઘન કરવા, ખોટો ભાવ વધારો ચૂકવવા અને માહિતીઓ પૂરી નહીં પાડવાના આરોપ મૂકી આ મુદ્દે નોટિસ આપી ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.