ઈમરાન સાથે સંબંધ રાખનાર સિદ્ધુ પંજાબના CM ન બની શકે: કેપ્ટન

September 18, 2021

ચંદીગઢ: પંજાબ કોંગ્રેસમાં આંતરિક ડખા બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું છે. કેપ્ટને કહ્યું કે, સિદ્ધુ પાકિસ્તાન અને બાજવા (પાકિસ્તાની આર્મી ચીફ)ની સાથે છે. તેઓ તેમને મુખ્યમંત્રી પદ માટે સ્વીકારશે નહીં.


કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં આપણા સૈનિકોની હત્યા કરે છે. તે જ પાકિસ્તાન સાથે નવજોત સિંહ સિદ્ધુના સંબંધો છે. તે બાજવા અને ઈમરાનનો મિત્ર છે. આ સંબંધ દેશની સુરક્ષા માટે જોખમી છે. જો સિદ્ધુનું નામ સીએમ પદ માટે આગળ મોકલવામાં આવે તો હું દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેનો વિરોધ કરીશ.

કેપ્ટન અમરિંદરે કહ્યું કે, સિદ્ધુ પંજાબ માટે મોટી આફત બનવા જઈ રહ્યો છે. તે એક અસમર્થ વ્યક્તિ છે. જે માણસ મંત્રાલય ન ચલાવી શક્યો, તે રાજ્ય શું ચલાવશે? તેમણે આરોપ લગાવ્યો કે સિદ્ધુના સંબંધો પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ બાજવા સાથે છે. પાકિસ્તાન તરફથી રોજ ડ્રોન મારફતે હથિયારો અને ડ્રગ્સ ભારતમાં મોકલવામાં છે. આવા લોકો સાથે મિત્રતા ધરાવતા સિદ્ધુને તેઓ કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી તરીકે સ્વીકારશે નહીં.