રિલાયન્સ-સેબી આમને સામને : અંબાણીએ કોર્ટની અવમાનનાનો કેસ કર્યો

August 22, 2022

અમદાવાદ: ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને માર્કેટ રેગ્યુલેટર સેબી આમને-સામને થઈ ગયા છે. બે દશક જૂના સ્ટોક ફાળવણીને લગતા કેસમાં અંબાણીએ હવે સુપ્રિમ કોર્ટમાં ધામા નાખ્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સેબીને કેટલાક દસ્તાવેજો રિલાયન્સને આપવાનો આદેશ આપ્યો હતો પરંતુ રિલાયન્સનું કહેવું છે કે માર્કેટ રેગ્યુલેટરે આ માંગવામાં આવેલ દસ્તાવેજો આપ્યા નથી. 2002માં એસ ગુરુમૂર્તિએ રિલાયન્સ વિરુદ્ધ સેબીમાં ફરિયાદ કરી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટે રિલાયન્સને જરૂરી દસ્તાવેજો આપવાનો આદેશ કર્યો હતો. જોકે કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ રિલાયન્સે સેબી સામે જ સુપ્રિમમાં કન્ટેમ્પ્ટ પીટિશન દાખલ કરી છે. રિલાયન્સે આરોપ લગાવ્યો છે કે સેબી જાણી જોઈને આ કરી રહ્યું છે. ગત સપ્તાહના અહેવાલ અનુસાર સેબી પણ સુપ્રીમ કોર્ટમાં આ અંગે રિવ્યુ પિટિશન દાખલ કરવાની તૈયારી કરી શકે છે. 5 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સેબીને રિલાયન્સને અમુક ચોક્કસ દસ્તાવેજો આપવાનો આદેશ આપ્યો હતો. ત્રણ દિવસ પછી એટલે કે 8 ઓગસ્ટે રિલાયન્સે સેબીને પત્ર લખીને ત્રણ દસ્તાવેજોની નકલો માંગી હતી. 12 ઓગસ્ટે સેબીએ કહ્યું કે તે આ મામલે કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે. આ પછી 16 ઓગસ્ટે રિલાયન્સે ફરીથી દસ્તાવેજો માંગ્યા. 18 ઓગસ્ટે સેબીએ કહ્યું કે તે તેના વકીલની સલાહની રાહ જોઈ રહ્યાં છે. 20 ઓગસ્ટે રિલાયન્સે સેબી સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. રિલાયન્સે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પણ પત્ર લખીને માંગણી કરી છે કે સોમવારે આ મામલે તાકીદે સુનાવણી કરવામાં આવે.

 

  • શું છે સમગ્ર મામલો ?

સુપ્રીમ કોર્ટે આ મામલે સેબીને રિલાયન્સને નિવૃત્ત જજ બીએમ શ્રીકૃષ્ણના પ્રથમ અને બીજા અભિપ્રાય(Opinion)ની નકલ અને વાય એચ માલેગમના રિપોર્ટ માંગ્યા હતા. આ દસ્તાવેજો 2002ના કેસ સાથે સંબંધિત છે. એસ ગુરુમૂર્તિએ રિલાયન્સ, તેની સહયોગી કંપનીઓ અને ડિરેક્ટરો વિરુદ્ધ સેબીમાં ફરિયાદ કરી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રિલાયન્સે તેના પ્રમોટર્સ સાથે જોડાયેલી કંપનીઓને ગેરકાયદેસર રીતે 12 કરોડ ઈક્વિટી શેર ફાળવ્યા હતા. રિલાયન્સ અને અન્ય ગ્રૂપ કંપનીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રિલાયન્સે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રિલાયન્સ દ્વારા વારંવાર વિનંતી-અરજીઓ કરવા છતા સેબીએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું નથી અને દસ્તાવેજોની નકલો આપી નથી. મીડિયા અહેવાલમાં એક સૂત્રએ જણાવ્યું હતું કે સેબીને સુપ્રીમ કોર્ટના આદેશના 30 દિવસની અંદર રિવ્યુ પિટિશન દાખલ કરવાની સત્તા છે.

  • SCની શૉ-કોઝ નોટિસ :

2002ની ફરિયાદના આધારે સેબીએ 24 ઓગસ્ટ, 2011ના રોજ રિલાયન્સના પ્રમોટરોને કારણદર્શક નોટિસ મોકલી હતી. 2020માં SEBIએ સેબી સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી કરવાની મંજૂરી માંગી હતી પરંતુ કોર્ટે સેબીની અરજીને ફગાવી દેતા કહ્યું કે આ મામલે ઘણું મોડું થઈ ગયું છે. 
ત્યાર બાદ સેબીએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. સામે પક્ષે રિલાયન્સે ત્રણ દસ્તાવેજોની નકલો માંગતી અરજી હાઈકોર્ટમાં પણ કરી હતી. તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ પછી રિલાયન્સ સુપ્રીમ કોર્ટ પહોંચી જ્યાં તેની તરફેણમાં આદેશ આપ્યો આવ્યો હતો. જોકે આ મામલે હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં રિલાયન્સ vs સેબીનો જંગ જામી શકે છે.