દેશમાં કોરોનામાં રાહત:9 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશમાં 90%થી વધુ દર્દી સાજા થયા

October 17, 2020

નવી દિલ્હી :  દેશમાં કોરોનાના આંકડા સતત રાહત અપી રહ્યાં છે. શુક્રવારે 62 હજાર 104 કેસ નોંધાયા તો 70 હજાર 386 દર્દી સાજા થયા. 839 લોકોના મોત થયા. એક્ટિવ કેસ ઘટીને આઠ લાખથી નીચે આવી ગયા છે. હવે દેશમાં કુલ 7 લાખ 94 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. 13 રાજ્ય એવા છે, જ્યાં 90%થી વધુ દર્દી સાજા થયા છે, જે નેશનલ એવરેજ 87.8થી વધુ છે. બાકી રાજ્યોમાં પણ આ આંકડો 80%ની આસપાસ અથવા તેની ઉપર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને  કહ્યું કે, આવનારા અઢી મહિના દેશ માટે કપરા છે. તહેવારની સિઝન અને ઠંડીમાં સંક્રમણ વધવાનું જોખમ વધુ છે. એવામાં આપણે સૌને જાગૃત કરવા પડશે.

કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. આઝાદે જણાવ્યું કે, ડોક્ટર્સની સલાહ પછી તેઓ પણ હોમ આઈસોલેશનમાં છે.

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે અનલોક 5.0 હેઠળ મહિલાઓને મોટી છૂટ આપી છે. હવે મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓ પણ સફર કરી શકશે. લોકડાઉન પછી લગભગ એક મહિના પહેલા જ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ત્યારે માત્ર જરૂરી વસ્તુઓની સપ્લાય અને જરૂરી સેવામાં લાગેલા કર્મચારીઓને ટ્રાવેલ કરવાની મંજૂરી હતી.