અનામતની આગ: કોણ છે એ ત્રણ વિદ્યાર્થીઓ જેમના આંદોલનથી શેખ હસીનાની ખુરશી હોમાઈ

August 06, 2024

બાંગ્લાદેશમાં તાજેતરમાં જ સ્વાતંત્ર્ય સેનાનીના વંશજો માટે નોકરીમાં 30% ક્વોટાને હાઈકોર્ટે મંજૂરી આપતા દેશમાં જોખમી તંગદિલી ઊભી થઈ હતી. કુલ 17 કરોડની વસતીવાળા આ દેશમાં લગભગ સવા ત્રણ કરોડ યુવા બેરોજગારો છે. દેશના વિદ્યાર્થી આલમે હાઈકોર્ટના આ આદેશનો વિરોધ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના સંતાનો માટેના ક્વોટાને રદ કરવાની માંગ સાથે વ્યાપક વિરોધ કર્યો છે. જ્યારે આ આંદોલન વિરુદ્ધ શેખ હસીના સરકારે સખ્તી અપનાવી તો તે તેમને જ સત્તા પરથી હટાવવાના આંદોલનમાં ફેરવાઈ ગયું. છેવટે સ્થિતિ એટલી વણસી ગઈ કે, શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું અને તેઓ દેશ છોડીને ભાગી ગયા. તેઓ હાલમાં ભારતમાં છે. આ વચ્ચે હવે દરેક લોકો એ જાણવા માંગે છે કે, અંતે આટલું મોટું આંદોલન અચાનક કેવી રીતે ઊભું થયું અને તેની પાછળ કોણ છે. આ આંદોલન પાછળ ત્રણ વિદ્યાર્થીઓનો મોટો હાથ છે. નાહીદ ઈસ્લામ, આસિફ મહમૂદ અને અબુ બકર મજુમદાર. ત્રણેય વિદ્યાર્થીઓ ઢાકા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને અનામત સામેના આંદોલનના નેતા હતા.એક અહેવાલ પ્રમાણે ત્રણેયનું 19 જુલાઈના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની આકરી પૂછપરછ કરવામાં આવી અને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 26 જુલાઈના રોજ તેમને છોડી દેવામાં આવ્યા હતા. આ પછી આ લોકોએ ફરી આંદોલનને આગળ વધાર્યું અને લગભગ 10 જ દિવસમાં જ તખ્તાપલટ થઈ ગયો. હવે કમાન સેનાના હાથમાં છે. વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આ ત્રણ વિદ્યાર્થી નેતાઓની પણ મહત્વની ભૂમિકા છે.આ ત્રણેય વિદ્યાર્થીઓએ આજે ​​એક વિડિયો જારી કરીને એલાન કર્યું કે, વચગાળાની સરકારના પ્રમુખ ડૉ. યુનુસ હશે, જેઓ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી છે. આંદોલનનો સૌથી મોટો ચહેરો નાહિદ ઈસ્લામ વિશે વાત કરીએ તો તે ઢાકા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છે. તે એ આંદોલનનો નેતા છે જેનું નામ  સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન મુવમેન્ટ છે. SADMના બેનર હેઠળ વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે, બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે. આ અંતર્ગત બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારા લોકોના પરિવારોને 30% આરક્ષણ મળે છે. બાંગ્લાદેશમાં કુલ 56% અનામત ફર્સ્ટ અને સેકેન્ડ ક્લાસ નોકરીઓમાં મળે છે. આ સિસ્ટમને ભેદભાવપૂર્ણ અને તેનો ઉપયોગ રાજકીય લાભ માટે થાય છે તેવું કહેવાય છે. નાહીદ ઈસ્લામના અન્ય સહયોગી આસિફ મહમૂદ ઢાકા યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રનો વિદ્યાર્થી છે. અબુ બકર મજુમદાર પણ ઢાકા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહ્યો છે. તે ભૂગોળનો વિદ્યાર્થી છે અને બાંગ્લાદેશનો ઈતિહાસ બદલવામાં વ્યસ્ત છે. ચળવળમાં ભાગ લેવા બદલ અબુ બકરનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વિદ્યાર્થી નેતાઓની ઉંમર 25 વર્ષની આસપાસ છે.