ઓન્ટેરિયોમાં રેસ્ટોરાં, જીમ અને રીટેલ વેપાર ધંધા ફરીથી શરુ કરવા ફેડરેશનની માંગ

June 07, 2021

  • ફેડરેશને લખેલા પત્રમાં સરકારની  નીતિને ઝાટકણી કાઢી, છુટછાટ અપાય તો અર્થતંત્રને મોટો ફાયદો થશે તેવો મત વ્યક્ત કરાયો
ટોરન્ટો : ઓન્ટેરિયો સ્થિત ધી કેનેડીયન ફેડરેશન ઓફ ઈન્ડીપેન્ડન્ટ બિઝનેસ (સીએફઆઈબી)એ ફોર્ડ સરકાર સમક્ષ રેસ્ટોરાં, જીમ અને રીટેલ બિઝનેસને ઝડપથી ફરીથી શરૂ કરવા દેવાની માંગણી કરી હતી. જેનાથી ઓન્ટેરિયોના અર્થતંત્રને ફાયદો થઈ શકે. ફેડરેશને મંગળવારે જાહેર કરેલા ફોર્ડ સરકારને લખેલા પત્રમાં રીઓપનિંગ પ્લાનમાં વિલંબ બદલ ઝાટકણી કાઢવામાં આવી હતી. જે બીજા પ્રાંતોની સરખામણીમાં ઘણો નબળો હોવાનું પણ જણાવ્યું હતું. 
ફેડરેશને સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અન્ય પ્રાંતોએ પણ મહામારી દરમિયાન લોકડાઉનનું પાલન કર્યું હતુ. પરંતુ નોર્થ અમેરીકાના કોઈ વિસ્તારમાં અને વિશ્વમાં ઘણાં ઓછા દેશોએ બિઝનેસ માટે આટલો લાંબો લોકડાઉન જોયો હશે, જેટલો ઓન્ટેરિયોએ જોયો છે.
આ સમયગાળામાં ઓન્ટેરિયોમાં સ્કી હિલ્સ અને ગોલ્ફ કોર્સ જ નહીં બિનઆશ્યક રીટેલ કે પછી હેર સલૂન પણ બંધ રહ્યા છે. માત્ર ઓન્ટેરિયોમાં જ કોરોનાને કારણે લદાયેલા નિયંત્રણો વધુ રહ્યા હતા. બ્રિટીશ કોલંબિયામાં કયારેય ઈન સ્ટોર રીટેલ ગ્રાહકો માટે બંધ રહ્યા નથી. ઓન્ટેરિયોમાં પણ સ્ટે એટ હોમના નિયમની મુદત પૂર્ણ થઈ રહી છે. આમ છતાં રીઓપનીંગના પહેલા સ્ટેજ માટે કોઈ આયોજન પ્રાંતની સરકારે કર્યું નથી. જેથી રેસ્ટોરાની પેશીયો સેવાઓ શરૂ થઈ શકે કે બિનઆવશ્યક રીટેલ ફરીથી શરૂ થઈ શકે તેવો વર્તારો મળતો નથી. ઓન્ટેરિયોમાં હેર સલૂન પણ જુલાઈ સુધીમાં શરૂ થઈ શકે એમ નથી. એટલે ત્રીજા સ્ટેજમાં પૂર્ણ રીઓપનિંગ માટે હજુ જુલાઈના અંત કે ઓગસ્ટની જ રાહ જોવી પડશે. જો સરકાર રેસ્ટોરા, જીમ અને રીટેલ ફરીથી શરૂ કરવાની મંજુરી આપશે તો એનો ફાયદો વ્યાપારીઓ, ગ્રાહકોને તો થશે જ. પરંતું પ્રાંતના અર્થતંત્રને પણ થશે. બાકી તો સરકારના આયોજન મુજબ સંપૂર્ણ રીઓપન થવામાં સપ્ટેમ્બર પણ આવી શકે છે.