કેનેડાના રેસ્ટોરાં માલિકો દ્વારા સરકાર પાસે સબસીડીની માંગણી

October 05, 2020

  • તાકીદે સહાય નહીં મળે તો રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં મુકાશે

હેલીફેક્ષ : કેનેડામાં શિયાળાની શરૂઆત બાદ રેસ્ટોરાંની બહારની ખુલ્લી જગ્યામાં ભોજન સર્વ કરવાનું શકય નહીં હોવાથી રેસ્ટોરાં સેકટરે સરકાર પાસેથી રાહત અને આર્થિક સહાયની માંગણી કરી છે. ફુડ સર્વિસના નિષ્ણાંતોના મત મુજબ જો સરકાર આર્થિક સહાય નહીં કરે તો આવનારા સમયમાં અને કોવિડ -૧૯ના કેસો વધવાને કારણે રેસ્ટોરાં માલિકો મુશ્કેલીમાં મુકાશેરેસ્ટોરાન્ટસ કેનેડાના વાઈસ પ્રેસીડેન્ટ ડેવિડ લીફેબેવરે ઓટાવાની સરકારને સબસીડીના રૂપમાં સીધી આર્થિક સહાય આપવા અપીલ કરી હતી. જો સરકાર ફેડરલ વેજ સબસીડી અને અન્ય વ્યાપારોને સહાય આપતી હોય તો રેસ્ટોરાંને પણ ભોજનની સબસીડી આપવી જોઈએ. જો આમ થશે તો ઉદ્યોગ ટકી શકશે.

ડેલહાઉસી યુનિવર્સિટીની ફુડ ડીસ્ટ્રીબ્યુશન એન્ડ પોલીસીના પ્રોફેસર સિલ્વેન ચાર્લબોઈસે કહ્યું હતું કે, રેસ્ટોરાં પણ હીટર્સ અને બ્લેન્કેટની સુવિધાઓ આપવા તૈયાર છે. જો સરકાર ખુલ્લી જગ્યામાં ભોજન પીરસવા પરનો પ્રતિબંધ હટાવી લે. સરકારે મીલ સબસીડી આપીને બ્રુન્સવીકના રીબેટ પ્રોગ્રામ ઓન ફુડ એન્ડ ડ્રીન્ક જેવા સારા વિકલ્પને પણ અજમાવી જોવો જોઈએ.