મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી રેસ્ટોરન્ટ સીલ, AMCએ નોટિસ ફટકારી

May 22, 2022

સાયન્સ સિટી રોડ પર આવેલ હાર્ડકેસ્ટલ રેસ્ટોરેન્ટ પ્રા.લિ. (મેકડોનાલ્ડ ફેમિલી રેસ્ટોરન્ટ)માં ભાર્ગવ જોષી અને તેનો મિત્ર નાસ્તો કરવા ગયા હતા અને તેમણે આપેલ ઓર્ડરમાં કોકાકોલાની અંદર મરેલી ગરોળી નીકળતાં તેઓ ચોંકી ગયા હતા. 

ભાર્ગવ જોષીએ કોકાકોલાના એક-બે ઘુંટડા પીધા પછી બાટલીમાં મરેલી ગરોળી ધ્યાન પર આવી હતી અને આ અંગે મેનેજરને ફરિયાદ કરતાં મેનેજરે ઉપેક્ષા કરીને તેની ફરિયાદ કાને ધરી નહોતી. કાઉન્ટર પર જઈને ફરિયાદ કરતાં તેને રીફંડ લઈ લેવા જણાવાયં હતું. પરંતુ આ મુદ્દે AMC હેલ્થ વિભાગમાં ફરિયાદ કરતાં કોકાકોલાના સેમ્પલ લઈને નોટિસ આપીને આ રેસ્ટોરેન્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવાઈ છે.

દરમિયાન, તાજેતરમાં માધુપુરા માર્કેટમાં જય માતાજી ટ્રેડર્સ (ગોડાઉન)માં મરચું, હળદર, ધાણાજીરૂં, વગેરે મસાલાના 1,570 કિલોગ્રામ જથ્થો સ્થગિત કરાયો છે. તા. 20 મે, 2022 સુધીમાં મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થના કુલ 543 સેમ્પલ લેવાયા હતા, તે પૈકી 34 અપ્રમાણિત જાહેર કરાયા હતા.