મહારાણી એલિઝાબેથના સીક્રેટ લેટરને 63 વર્ષ સુધી ખોલવા પર પ્રતિબંધ

September 12, 2022

લંડનઃ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ હવે કિંગ ચાર્લ્સ-3 ત્યાંના રાજા બની ચુક્યા છે. આ વચ્ચે એક મોટું રાઝ સામે આવ્યું છે. કહેવામાં આવે છે કે મહારાણી એલિઝાબેથનો એક સીક્રેટ લેટર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક લોકરની અંદર રાખવામાં આવ્યો છે. તેનાથી ચોંકાવનારી વાત છે કે આ સીક્રેટ લેટરને આગામી 63 વર્ષ સુધી ખોલી શકાશે નહીં. કહેવામાં આવે છે કે આ પત્રને મહારાણી એલિઝાબેથે વર્ષ 1986માં લખ્યો હતો. 


આ સીક્રેટ પત્ર વિશે જાણકારી ઓસ્ટ્રેલિયાના 7 ન્યૂઝે આપી છે. તે પ્રમાણે આ લેટર સિડનીની એક ઐતિહાસિક બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો છે. પરંતુ આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તેની કોઈ જાણકારી નથી. કહેવામાં આવે છે કે મહારાણીના અંગત સ્ટાફને પણ તેના વિશે કોઈ જાણકારી નથી. આ પત્રને એક કાચના બોક્સમાં કોઈ અજાણ્યા સ્થળે છુપાવીને રાખવામાં આવ્યો છે. આ પત્રને 2085 સુધી ન ખોલવાની વાત સામે આવી છે.