ગુજરાતમાં નિવૃત્ત ક્રિકેટ કોચનો બિલ્ડિંગના ૭મા માળેથી પડતું મૂકી આપઘાત

February 01, 2020

વડોદરા- માંજલપુરા વિસ્તારમાં આવેલ સાત માળની બિલ્ડિંગ પરથી કુદકો મારીને એક વૃધ્ધે આપઘાત કરી લીધો હતો. આજ ેવહેલી સવારે બનેલી આ ઘટના બાદ બિલ્ડિંગના રહિશો એકઠા થઇ ગયા હતા. આપઘાત કરનાર વૃધ્ધ આ  બિલ્ડિંગનો રહિશ નહી હોવાથી રહસ્ય ઉભુ થયુ હતુ. જો કે બપોર બાદ તેની ઓળખ થઇ હતી. આ વૃધ્ધ માંજલપુરમાં રહેતા હતા અને ક્રિકેટ કોચ તરીકે નિવૃત્ત થયા હતા.


શુક્રવારે સવારે  ૬.૩૦ વાગ્યાના અરસામાં માંજલપુરની સત્વ હાઇટ્સ બિલ્ડિંગના બી-ટાવરના સાતમા માળથી એક વૃધ્ધે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. તેમના પડવાથી અવાજ થતા લોકો એકઠા થયા હતા.  જો કે મૃત્યુ પામનાર વૃધ્ધ સત્વ હાઇટ્સમાં રહેતા નહી હોવાનું જાણવા મળ્યુ હતું. લોકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યુ હતુ કે આ  વૃધ્ધ બહારથી આવે છે અને પાર્કિંગમાં થઇને લિફ્ટ દ્વારા સાતમા માળે પહોંચે છે. બીજી તરફ માંજલપુરા દિપ ચેમ્બર પાસે આવેલી વિઠ્ઠલબાગ સોસાયટીમાં રહેતા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતમાં  અગાઉ ક્રિકેટ કોચ તરીકે ફરજ બજાવતા અજયભાઇ રસીકલાલ દવે (ઉ.૬૭) ઘરેથી સવારે તેમના પત્નીને વોકિંગમાં જવ  છુ કહીને નીકળ્યા હતા અને મોડે સુધી પરત નહી ફરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.