પાૈત્ર કેનેડા જતો રહેતા સરથાણામાં નિવૃત્ત જમીન દલાલની બંદુકમાંથી ગોળી મારી આત્મહત્યા

May 27, 2022

રાજુલાના  સાજણાવાવ ગામના વતની બાલુભાઈ સોડવડીયા પરિવાર સાથે સરથાણા જકાતનાકા પાસેની સનસ્ટાર સીટી સોસાયટીમાં રહેતા હતા. તેઓ અગાઉ જમીન દલાલીનો વ્યવસાય કરતા હતા. જોકે હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. દરમિયાન બુધવારે રાત્રીના  સાડા  દસેક વાગ્યાના અરસામાં તેમણે પોતાના ઘરે તેમની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી છાતીના ભાગે ગોળી મારી આપધાત કરી લીધો હતો. 

સરથાણાના ઇન્ચાર્જ પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતક બાલુભાઇ લાંબા સમયથી બિમાર હોય ડિપ્રેશનમાં હતા. દરમિયાન બુધવારે રાત્રે તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસને તેમણે લખેલી સ્યુસાઇટ નોટ પણ મળી આવી છે. બાલુભાઈના પુત્ર ચેતનભાઈએ જણાવ્યું હતું કે, પિતાની અણધારી વિદાયથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. ત્રણેક વર્ષ અગાઉ મારી માતાના મૃત્યુ બાદ પિતા એકલા પડી ગયા હતા. 

દરમિયાન પ્રોસ્ટેજની બીમારી થતા ડિપ્રેશન અનુભવતા હતા. ત્યારબાદ ૧લી મેના રોજ મારો પુત્ર વાસુ અભ્યાસ માટે કેનેડા જતા તેઓ વધુ એકલા પડી ગયા હતા. ૧૦૦ વર્ષની ઉંમર ધરાવતા મારા દાદીની પથારીવશ અવસ્થા જોઈ તેઓ તણાવ અનુભવતા હતા. દરમિયાન બુધવારે રાત્રે તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.