ઋષભ પંતે સિડનીમાં ડાટ વાળ્યો – 2 કેચ છોડીને વધારી ભારતની મુશ્કેલી, લોકોએ કર્યો ટ્રોલ

January 07, 2021

સિડની : ભારતીય ટીમના યુવા વિકેટકીપર ઋષભ પંતે  ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની ટેસ્ટ )ના પહેલા દિવસે ડેબ્યૂ મેચ રમી રહેલા કાંગારુ ઑપનિંગ બેટ્સમેન વિલ પુકોવસ્કી ના 2 કેચ છોડ્યા, ત્યારબાદ તેણે 62 રનની ઉપયોગી ઇનિંગ રમીને ઑસ્ટ્રેલિયા ને મુશ્કેલીમાંથી બહાર નીકાળ્યું. ઋષભ પંતે 22મી ઑવરના અંતિમ બૉલ પર વિલ પુકોવસ્કીને રવિચંદ્રન અશ્વિનના બૉલ પર જીવનદાન આપ્યું. પંતે પુકોવસ્કીનો કેચ છોડ્યો ત્યારે તે ફક્ત 26 રન પર રમી રહ્યો હતો.

ત્યારબાદ ઋષભ પંતે મોહમ્મદ સિરાજ દ્વારા ફેંકવામાં આવેલી 25મી ઑવરના અંતિમ બૉલ પર એકવાર ફરી પુકોવસ્કીને જીવનદાન આપ્યું. પંતે ફરી પુકોવસ્કીનો કેચ છોડ્યો. ટી બ્રેક પહેલા જ્યારે પુકોવસ્કી 42 રન પર રમી રહ્યો હતો ત્યારે તે રન આઉટ થતા થતા બચી ગયો. જો કે ટી બ્રેક બાદ પુકોવસ્કીને ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર નવદીપ સૈનીએ LBW આઉટ કર્યો અને 62 રને તેને પેવેલિયન મોકલ્યો.