યુદ્ધ વચ્ચે ઋષિ સુનક યુક્રેન પહોંચ્યા, સમર્થન ચાલુ રાખવાનું વચન આપ્યું

November 20, 2022

યુદ્ધ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક શનિવારે પહેલીવાર યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા હતા. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા હતા અને યુક્રેનને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ યુક્રેનને મદદ કરવાની તેમના પુરોગામીની નીતિ પર પાછા નહીં જાય. સુનકે કહ્યું હતું કે, તે યુક્રેનને એક નવું એર ડિફેન્સ પેકેજ આપશે જેમાં યુક્રેનની સેના આંખના પલકારામાં રશિયન ડ્રોનને તોડી પાડશે અને મિસાઈલોનો નાશ કરશે.

સુનકે કહ્યું હતું કે, બ્રિટન જાણે છે કે આ આઝાદીની લડાઈ છે. તેથી અમે યુદ્ધની સમાપ્ત નહીં થાય ત્યાં સુધી યુક્રેનની સાથે છીએ. સુનાકે કહ્યું છે કે, બ્રિટન ટૂંક સમયમાં યુક્રેનને 60 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે. આ સહાયમાં એન્ટી એરક્રાફ્ટ ગન અને આકાશમાં ડ્રોન શોધવા અને તેનો નાશ કરવા માટેની ટેકનોલોજી પણ હશે. આ રડાર ટેક્નોલોજીથી રશિયન મિસાઈલોને આકાશમાં પણ નષ્ટ કરી શકાય છે. યુક્રેનિયન સુરક્ષા દળોએ જમીન પર રશિયન દળોને પાછળ ધકેલી દીધા છે પરંતુ નાગરિકો અને તેમના રસના સ્થળો પર હવાથી હુમલા ચાલુ છે.