ઇરાકમાં અમેરિકન એરબેઝ પર ફરીથી રોકેટ હુમલો: કોઇ જાનહાનિ નહીં

January 16, 2020

બગદાદ,16 જાન્યુઆરી 2020 ગુરૂવાર

ઇરાકમાં ફરી એક વખત અમેરિકન એરફોર્સના બેઝ પર રોકેટ છોડવામાં આવ્યા છે. બગદાદની ઉત્તરમાં આવેલો અમેરિકન નેતૃત્ત્વવાળી ગઠબંધન સેનાઓના બેઝ પર ક્ત્યુશા રોકેટ છોડવામાં આવ્યા હતાં. ઇરાકની સેનાએ આપેલી માહિતી મુજબ  આ એરબેઝ પર અમેરિકન સૈનિક પણ તૈનાત છે. જો કે આ હુમલાની કોઇએ પણ જવાબદારી લીધી નથી. 

જો કે હુમલાને કારણે જાનમાલના નુકસાન અંગે કોઇ માહિતી મળી નથી. આ એરબેઝનો ઉપયોગ અમેરિકન સેના કરે છે. મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છેકે આ નવેસરથી કરાયેલા હુમલાથી સ્પષ્ટ છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી રહી છે. 

ઉલ્લેખનીય છે કે ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકન હુમલામાં મોત થયા પછી ઇરાકમાં અમેરિકન સૈન્ય બેઝ પર સતત હુમલા ચાલુ છે. ઇરાને પણ બે સૈન્ય બેઝ પર હુમલા કર્યા હતાં. ત્યારબાદથી સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. માનવામાં આવે છે કે ઇરાકમાં ઇરાન સમર્થિત મિલિશિયાના સભ્ય આ હુમલા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુલેમાનીના મોત પછી ઇરાનના ક્ષેત્રમાં તૈનાત તમામ સંગઠનો અને દેશોએ અમેરિકા પર વળતો હુમલો કરવાની અપીલ કરી હતી. 

આ અગાઉ રવિવારના રોજ ઇરાકના અબ બલાદ એરબેઝ પર ૮ મોર્ટાર છોડવામાં આવ્યા હતાં. જેમાંથી સાત મોર્ટારે એરબેઝના રનવેને નુકસાન પહોંચાડયું હતું. આ હુમલામાં ઇરાકી સેનાના ચાર જવાન ઘાયલ થયા હતાં..જો કે અમેરિકાએ આરોપ મૂક્યો છે કે ઇરાકમાં ઇરાન સમર્થિત ગુ્રપની તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે.