રોહિતની તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની સામે ૧૦૦ સિક્સર પુરી થઇ

January 09, 2021

સિડની: ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાં ફરી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો છે, તેમ છતા તેણે એક મોટો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. રોહિતે ૨૬ રનની ઇનિંગ દરમિયાન એક છગ્ગો પણ ફટકાર્યો અને આ સાથે જ તે ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ તમામ ફૉર્મેટમાં મળીને ૧૦૦ છગ્ગા લગાવનારો આતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલો ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ ૧૬મી ઑવરમાં નાથન લિયોનની બૉલિંગમાં આગળ આવીને છગ્ગો ફટકાર્યો અને આ સાથે તે ઑસ્ટ્રેલિયાઈ ટીમની વિરુદ્ધ તમામ ફૉર્મેટમાં મળીને ૧૦૦ છગ્ગા લગાવનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી બની ગયો છે.
ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પુરી થઈ ત્યાં સુધી ભારતે ૨ વિકેટ ગુમાવીને ૯૬ રન બનાવી લીધા છે. કેપ્ટન આંજિકય રહાણે ૫ અને ચેતેશ્વર પુજારા ૯ રન બનાવીને રમી રહ્યા છે. ઑસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સે ૧-૧ વિકેટ ઝડપી છે. ભારત હજુ પણ ઑસ્ટ્રેલિયાથી ૨૪૨ રન પાછળ છે. ભારતની ઇનિંગનું આકર્ષણ યુવા બેટ્સમેન શુભમન ગિલ રહ્યો. તેણે પોતાના કેરિયરની ત્રીજી ઇનિંગમાં મજબૂત ઑસ્ટ્રેલિયા સામે શાનદાર અડધી સદી ફટકારી. ગિલે કમિન્સની ઑવરમાં આઉટ થતા પહેલા ૧૦૧ બૉલમાં ૮ ચોગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા. ગિલે પહેલી વિકેટ માટે રોહિત શર્મા સાથે ૭૦ રનની ભાગીદારી કરી. રોહિતે ૭૭ બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૬ રન બનાવ્યા. તેની વિકેટ જોશ હેઝલવૂડે ઝડપી. આ પહેલા દિગ્ગજ ઑસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની ૨૭મી ટેસ્ટ સદીની મદદથી ઑસ્ટ્રેલિયાએ રવિન્દ્ર જાડેજાની શાનદાર બૉલિંગ છતા ભારતની વિરુદ્ધ પહેલી ઇનિંગમાં ૩૩૮ રન બનાવ્યા છે. સ્મિથે ૧૩૧ રન બનાવ્યા, જેના માટે તેણે ૨૨૬ બૉલનો સામનો કર્યો અને ૧૬ ચોગ્ગા લગાવ્યા. તેના સિવાય માર્નસ લાબુશેન (૯૧) અને પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા પુકોવસ્કીએ ૬૨ રનનું યોગદાન આપ્યું. સ્મિથ અને લાબુશેને ત્રીજી વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી કરી. જાડેજાએ લાબુશેનને સદીથી વંચિત રાખ્યો, ત્યારબાદ ઑસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી. જાડેજાએ ૬૨ રન આપીને ૪ વિકેટ લીધી. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા નવદીપ સૈનીએ ૨-૨ વિકેટ લીધી. મોહમ્મદ સિરાજને ૧ વિકેટ મળી હતી. જાડેજાએ એક જબરદસ્ત થ્રો કરીને સ્મિથને રન આઉટ કરી ઑસ્ટ્રેલિયન ઇનિંગનો અંત આણ્યો હતો.