ચીફ ઈમામને મળવા દિલ્હીની મસ્જિદમાં પહોંચ્યા RSS પ્રમુખ મોહન ભાગવત

September 22, 2022

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે આજે ઓલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ઈમામ ઉમર અહમદ ઈલિયાસી સહિતના અનેક મુસ્લિમ નેતાઓની મુલાકાત લીધી હતી. 

મોહન ભાગવત આજે કસ્તૂરબા ગાંધી માર્ગ સ્થિત મસ્જિદમાં પહોંચ્યા હતા અને અખિલ ભારતીય ઈમામ સંગઠનના મુખ્ય ઈમામ સહિતના મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરી હતી. આમ મોહન ભાગવતની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની એક મહિનામાં આ બીજી બેઠક છે.  

મોહન ભાગવતે અગાઉ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે બંધબારણે બેઠક યોજીને તેમને ગૌહત્યા મામલે તેમનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું. ઉપરાંત હિંદુઓ સામે 'કાફિર' (આસ્તિક ન હોય તેવા) અને 'જિહાદ' (પવિત્ર યુદ્ધ) જેવા શબ્દોના ઉપયોગ મામલે પણ સવાલ કર્યો હતો. સાથે જ આવા શબ્દોના પ્રયોગથી બચવા સૂચન કર્યું હતું. 

સંઘ પ્રમુખની ઈમામ ઉમર અહમદ ઈલિયાસી સાથેની બંધબારણે યોજાયેલી બેઠક આશરે એક કલાક સુધી ચાલી હતી. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે આ મામલે જણાવ્યું કે, સંઘના સરસંઘચાલક તમામ ક્ષેત્રના લોકોને મળે છે. આ એક સતત સામાન્ય સંવાદ પ્રક્રિયાનો હિસ્સો છે. અહમદ ઈલિયાસી સાથેની બેઠક દરમિયાન ભાગવત સાથે સંઘના કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઈન્દ્રેશ કુમાર પણ હાજર રહ્યા હતા.