RSS દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલને સમજતા વાર લાગશે, ભાજપનો પલટવાર

March 03, 2021

નવી દિલ્હીઃ અમેરિકી યુનિવર્સિટીના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર રાહુલ ગાંધીના (Rahul Gandhi) આરોપો પર ભાજપે બુધવારે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે, આરએસેસ એક પાઠશાળા છે અને રાહુલ ગાંધીને તેને સમજવામાં સમય લાગશે. રાહુલે મંગળવારે અમેરિકી યુનિવર્સિટીના કાર્યક્રમમાં દેશની સંસ્થાઓમાં આરએસએસના દખલનો આરોપ લગાવ્યો હતો.


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી  (Rahul Gandhi) ને RSS ને સમજવામાં ખુબ સમય લાગશે. તેમણે કહ્યું, આરએસએસ દેશભક્તિની વિશ્વમાં સૌથી મોટી પાઠશાળા છે. તેથી દુનિયામાં તેનો આદર છે અને ભારતમાં તેની ભૂમિકા છે. લોકોમાં સારૂ પરિવર્તન લાવવું, લોકોને દેશભક્તિ માટે પ્રેરિત કરવા, આ સંઘ કરે છે.


જાવડેકરે કટોકટીને લઈને રાહુલ ગાંધીના તે નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું જેમાં તેમણે કહ્યુ હતુ કે કટોકટી એક ભૂલ હતી, પરંતુ કોંગ્રેસે સંસ્થાગત માળખાને નુકસાન પહોંચાડ્યું નથી. કેન્દ્રીય મંત્રીને કટોકટી સંબંધી રાહુલની સ્વીકૃતિ વિશે સપાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, આજે તેના પર વધુ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી, પરંતુ તેમણે કહ્યું કે, કોંગ્રેસે ક્યારેય દેશના સંસ્થાગત માળખા પર કબજો કરવાનો પ્રયાસ નથી કર્યો, જ્યારે કટોકટી દરમિયાન બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી હતી.