રશિયા અને યુક્રેન વિવાદ:પેરિસમાં 8 કલાક સુધી ચાલેલી બેઠકમાં લેવાયો નિર્ણય, બે અઠવાડિયાં પછી બર્લિનમાં ફરી ડિપ્લોમેટ્સની બેઠક મળશે

January 27, 2022

પેરિસ: યુક્રેન અને રશિયા વચ્ચે પૂર્વી સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. યુદ્ધનો ખતરો હાલ ટળી ગયો છે. બુધવારે પેરિસમાં 8 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ પક્ષો યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ સિવાય યુક્રેન અને રશિયા 2019 બાદ પહેલીવાર યુક્રેનના સુરક્ષા ગાર્ડ અને ભાગલાવાદીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ બાબતે ફ્રાન્સ અને જર્મનીની સાથે સંયુક્ત નિવેદન જારી કરવા સંમત થયા છે.

કોઈ શરત વગર જ બની સંમતિ
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો કોઈ શરત વગર જ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ઉપરાંત બે અઠવાડિયાં પછી બર્લિનમાં આ મુદ્દે બીજી બેઠક યોજાશે. ફ્રાન્સે આ નિર્ણયને આવકાર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના એક સહયોગીએ કહ્યું હતું કે સતત વધી રહેલા તણાવ વચ્ચે આખરે એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે.