રશિયા 10 અોગસ્ટ સુધીમાં કોરોનાની રસીનો જાહેર ઉપયોગ માટે મંજૂરી આપશે

July 29, 2020

મોસ્કોઃ રશિયાના અધિકારીઓએ દાવો કર્યો છે કે અમે ૧૦ ઓગસ્ટ સુધીમાં અથવા તો તે પહેલાં રશિયા કોરોનાની રસીને મંજૂરી આપનારો પહેલો દેશ બની જશે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના વડા કિરિલ દમિત્રિયેવ સહિતના રશિયન અધિકારીઓએ અમેરિકાની સીએનએન ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મોસ્કો સ્થિત ગામાલેયા ઇન્સ્ટિટયૂટ દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની રસીને ૧૦ ઓગસ્ટ અથવા તો તે પહેલાં જાહેર ઉપયોગ માટે મંજૂરી આપી શકાય તે દિશામાં કામ કરી રહ્યાં છીએ. અમેરિકાની સીએનએન ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર રશિયા આગામી બે સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં કોરોના રસીને મંજૂરી આપનારો વિશ્વનો પહેલો દેશ બનવા ઇચ્છે છે. રશિયામાં રસીના સંશોધન માટે આર્થિક સહાય કરી રહેલા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના વડા કિરિલ દમિત્રિયેવે ૧૯૫૭માં સોવિયેત સંઘ દ્વારા લોન્ચ કરાયેલા વિશ્વના સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિકની સફળતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ એક સ્પુટનિક મોમેન્ટ હશે. વિશ્વ ફરી આૃર્યમાં મુકાશે. રશિયન વૈજ્ઞાનિકોનો દાવો છે કે, રસીને ઝડપથી તૈયાર કરી શકાશે કારણ કે તે અન્ય રોગ માટે તૈયાર કરાયેલી રસીમાંથી જ વિકસાવાઇ રહી છે. વિશ્વના અન્ય દેશોમાં પણ આજ પદ્ધતિ અપનાવાઇ છે. રશિયન સૈનિકોએ આ રસીના સંશોધનની હ્યુમન ટ્રાયલોમાં વોલિન્ટિયર્સની ભૂમિકા ભજવી છે. રસી તૈયાર કરવાના પ્રોજેક્ટના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગે જણાવ્યું હતું કે, મેં પોતાને કોરોના વાઇરસના ઇન્જેક્શનથી સંક્રમિત કર્યો હતો.