યુરોપના દેશો સામે રશિયાનો આર્થિક ક્ષેત્રે મોરચો

May 07, 2022

  • રશિયા સામે લડવા માંગતા યુરોપીયન દેશોએ ગેસ અને તેલના વૈકલ્પિક સ્ત્રોત શોધવા પડશે
  • યુક્રેનને મદદ કરનારા યુરોપીયન દેશોને રશિયાએ ખનીજ તેલ અને કુદરતી વાયુ બદલ રૂબલમાં ચુકવણું કરવા દબાણ માંડ્યું છે. જેથી રશિયામાં મોટી આર્થિક કટોકટો સર્જાઈ નહીં અને અમેરિકાને યોગ્ય જવાબ મળી રહે
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અપેક્ષા કરતા લાંબું ચાલ્યું છે. આ યુદ્ધ ક્યારે ખતમ થશે, તેની આગાહી કરવી પણ હવે મુશ્કેલ બન્યું છે. કારણ કે, ખરું યુદ્ધ આર્થિક મોરચે ચાલી રહ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો દ્વારા રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો લદાયા છે. કારણ કે યુક્રેન પર હુમલો કરવાના રશિયાના પગલાનો મહત્તમ દેશોએ વિરોધ કર્યો છે. જયારે તેનો મુકાબલો રશિયા ખનિજ તેલ અને કુદરતી વાયુનું વેચાણ રૂબલમાં કરીને કરી રહ્યું છે.  રશિયા આમ કરીને એક કાંકરે ત્રણપક્ષી મારવા માગે છે. એક રશિયા ડોલરનો વિકલ્પ આપવા માંગે છે. રૂબલની ડિમાન્ડ વધવાથી ડોલર સામે રૂબલના ભાવો ઊંચકાઈ ગયા છે. જયારે યુરોપના દેશો દ્વારા યુક્રેનની મદદ કરવામાં આવી રહી છે તેનો બદલો રશિયા તેલ અને ગેસના વેચાણમાં દાદાગીરીથી વાળી રહ્યું છે. યુરોપના દેશો તેમની ખનિજ તેલ અને કુદરતી વાયુની જરૂરિયાતો માટે રશિયા ઉપર વધુ પડતા નિર્ભર છે.
૨૦૧૪માં રશિયાએ યુક્નેન ઉપર હુમલો કરીને તેનો ક્રીમિયા પ્રાંત પોતાની અંદર જોડી દીધો, તેના બદલામાં યુરોપના દેશો રશિયાના તેલ અને ગેસનો વિકલ્મ શોધી રહ્યા છે, પણ હજુ સુધી તેમને સફળતા મળી નથી. યુરોપના દેશોને તેમની જરૂરિયાતનું રપ ટકા ખનિજ તેલ અને ૪૦ ટકા ગેસ રશિયા પૂરો પાડે છે.  યુરોપને તેલ અને ગેસ વેચીને રશિયા રોજના ૮૫ કરોડ ડોલરની કમાણી કરે છે. રશિયાની જે આવક છે, તેમાં ૪૩ ટકા હિસ્સો તેલ અને ગેસનો છે. રશિયાનો ગેસ મેળવવા યુરોપના દેશોમાંથી પસાર થતી પાઇપલાઇન નાખવામાં આવી છે. જો રશિયા યુરોપને તેલ અને ગેસ વેચવાનું બંધ કરે તો યુરોપના દેશોમાં ઊર્જાની ભયંકર કટોક્ટી પેદા થાય તેમ છે. યુરોપના દેશો તેલ અને ગેસની ચૂક્વણી યુરોમાં કે ડોલરમાં કરે છે, પણ રશિયા હવે તેમની પાસે રૂબલમાં ચૂક્વણી માગી સ્હ્યું છે. 
પોલાવ્ડ અને બલ્ગેરિયાએ રૂબલમાં ચૂકવણી કરવાનો ઇનકાર કરતાં રશિયાએ તેનો બળતણનો પુરવઠો અટકાવી દીધો છે. યુરોપના દેશો રશિયન સરકારની માલિકીની ગાઝપ્રોમ નામની કંપની પાસેથી પોતાની જરૂરિયાતના તેલ અને ગેસ ખરીદે છે. યુરોપના દેશોની સરકાર કહે છે કે તેમણે રશિયન કંપની સાથે સોદો કર્યો ત્યારે ચુકવણું થુરોમાં કે ડોલરમાં કરવાની શરત રાખવામાં આવી હતી. હવે રશિયા રૂબલમાં રકમ માગી રહ્યું છે, કારણ કે અમેરિકા દ્વારા તેની બેન્કોના કારોબાર પર અંકુશ મૂકવામાં આવ્યો છે. રશિયાની બેન્કો ડોલરના હસ્તાંતરણ માટે સ્વિફ્ટ સિસ્ટમનો ઉપયોગકરી શક્તી નથી.  પોલેન્ડે તો આ વર્ષના અંત સુધીમાં રશિયાના તેલ અને ગેસ પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવાનું આયોજન કર્યું હતુ.  પોલેન્ડે પોતાના બંદર પર પ્રવાહી કુદરતી વાયુની સ્ટીમરોને લાંગરવાની સવલત ઉપલબ્ધ કરી નાંખી છે.
જયારે બલ્ગેરિયા કહે છે કે હમણાં તો તેની પાસે ગેસનો પૂરતો જથ્થો છે. પોલેન્ડ અને બલ્ગેરિયાને ખનિજ તેલની તક્લીફ પડી શકે તેમ નથી. કારણ કે, બીજા દેશો પણ તે માટે તૈયાર છે. યુરોપના દેશને ચિંતા છે કે જો રશિયા પૉલેન્ડ અને બલ્ગેરિયાની જેમ તેમનો પણ ગેસનો પુરવઠો અટકાવી દેશે તો તેમના દેશોમાં મોંઘવારી હદ બહાર વધી જશે.  રશિયા દ્વારા નાખવામાં આવેલી નવી શરતો મુજબ યુરોપના દેશોએ રશિયાની ગાઝપ્રોમ બેન્કમાં પોતાનું ખાતું ખોલાવવું પડશે.  તેમાં તેમણે ડોલરમાં કે યુરોમાં રકમ જમા કરાવવી પડશે. ગાઝપ્રોમ બેંક તેને રૂબલમાં બદલી આપશે.  યુરોપના દેશો આ જ બેન્કમાં રૂબલનું ખાતું પણ ખોલાવશે. તેમાં રૂબલ જમા થશે.  
આ રૂબલનો ઉપયોગ રશિયાને ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. ગાઝપ્રોમ બેન્ક પાસે જે યુરો કે ડોલર આવશે તેનું તે વેચાણ કરીને રૂબલ ખરીદશે. યુરોપના દેશો દ્વારા સતત રશિયાના તેલ અને ગેસની આયાત કરવામાં આવે છે. તેનું પેમેન્ટ નિયમિત સમયાંતરે કરવામાં આવતું હોય છે. યુક્રેનનું યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત પેમેન્ટની તારીખ નજીક આવી રહી છે.  યુરોપના દેશો કહે છે કે તેઓ કરારની ક્લમ મુજબ ડોલર કે યુરોમાં જ ચૂકવણી કરશે. જો રશિયા બળતણનો પુરવઠો બંધ કરી દે તો યુરોપમાં કટોકટી પેદા થઈ શકે છે.  યુરોપના દેશો જેમ રશિયાના તેલ અને ગેસ પર નિર્ભર છે, તેમ રશિયાનું અર્થતંત્ર પણ તેની આવક પર નિર્ભર છે. 
જો યુરોપના દેશો રશિયાથી આયાત કરવાનું બંધ કરી દે તો રશિયામાં આર્થિક ક્ટોક્ટી પેદા થવાનું નિશ્ચિત છે. જો કે રશિયાએ ભારતને સસ્તા ભાવે ખનિજ તેલ વેચવાનો પ્રારંભ કરીને તેનો ઉપાય શોધી કાઢયો છે. જો યુરોપના દેશો રશિયાનો માલ ખરીદવાનો ઇનકાર કરે તો ભારત અને ચીન તે ખરીદવા તૈયાર છે. તેથી રશિયાને યુરોપના દેશોનો કોઈ પગલાની અસર થાય નહીં. અમેરિકાએ યુદ્ધની સજા તરીકે રશિયન બેન્કોને રિવિફ્ટ સિસ્ટમથી બાકાત કરી નાખી, તેના બદલાના રૂપમાં રશિયા દ્વારા યુરોપના દેશોને રૂબલમાં પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે રશિયા દ્વારા પોલેન્ડને અને બલ્ગેરિયાને ગેસનો પુરવઠો બંધ કરવાની ધમકી આપવામાં આવી છે. તે પણ રશિયા દ્વારા છેડવામાં આવેલા આર્થિક યુદ્ધના હથિયાર તરીકે મનાય છે. તેમ કરીને વ્લાદિમિર પુતિન પુરવાર કરવા માગે છે કે તેઓ યુરોપના દેશોને પણ પોતાની મરજી મુજબ નચાવી શકે છે. 
વળી તેનું પેમેન્ટ ગાઝપ્રોમ બેન્ક દ્વારા કરવાની શરત કરીને તેમણે આ બેન્કને પણ વધુ આર્થિક પ્રતિબંઘોથી બચાવી લીધી છે.  અમેરિકા અને યુરોપ દ્વારા રશિયા પાસેથી તેલ કે ગેસ ખરીદવા પરપ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જો રશિયા રૂબલમાં પેમેન્ટના મુદ્દે યુરોપના દેશોને તેલ અને ગેસ આપવાનું બંધ કરે તો તે પણ એક જાતના યુદ્ધની ઘોષણા જ હશે. યુરોપના અને અમેરિકાના દેશો દ્વારા યુકેનને’ સીધી નહીં પણ આડક્તરી સહાય આપવામાં આવે છે, તેના કારણે યુક્રેન બે મહિનાથી રશિયા સામે ટકી રહ્યું છે.  વિયેટનામ યુદ્ધની જેમ આ યુદ્ધ પણ લાંબુ ચાલે તો રશિયાને પણ આર્થિક નુકસાન થશે. હકીકતમાં યુરોપના દેશો રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદીને રશિયાને યુદ્ધમાં મદદગાર થઈ રહ્યા છે. 
જો યુરોપના દેશો રશિયા પાસેથી ગેસ ખરીદવાનું બંધ કરે તો રશિયા મુસીબતમાં મૂકાઈ શકે છે.  રશિયા પોતાનું તેલ સ્ટીમરો દ્વારા ભારત અને ચીનને મોકલી શકે છે, પણ ગેસ મોક્લી શકે તેમ નથી, કારણ કે ગેસનું વહન પાઇપલાઇન વડે થાય છે. રશિયાથી કોઈ પાઇપલાઇન ભારત કે ચીન સુધી જતી નથી.  રશિયાથી ભારત કે ચીન સુધી પહોંચે તેવી પાઇપલાઇન નાખવી હોય તો તેમાં દાયકા નીકળી જાય. જો યુરોપના દેશો રશિયા સામે લડવા માગતા હોય તો તેમણે ગેસ અને તેલના વૈકલ્પિક સ્ત્રોત શોધી કાઢવા પડશે.