નિર્ણાયક વન-ડેમાં સા. આફ્રિકાને ૨૮ રનથી હરાવીને પાકિસ્તાને ૨-૧થી સિરીઝ જીતી

April 08, 2021

સેન્ચ્યુરિયન: ઓપનર ફખર ઝમાને નોંધાવેલી સતત બીજી સદી ઉપરાંત તેણે પ્રથમ વિકેટ માટે ઇમામ ઉલ હક સાથે ૧૧૨ રનની ભાગીદારી નોંધાવતા પાકિસ્તાને અહીં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં યજમાન સાઉથ આફ્રિકાને ૨૮ રનથી હરાવીને ત્રણ મેચની શ્રોણીને ૨-૧થી જીતી લીધી હતી. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને સાત વિકેટે ૩૨૦ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં આફ્રિકન ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૯૨ રન નોંધાવી શકી હતી. રનચેઝ કરનાર આફ્રિકન ટીમ માટે ઓપનર જેનેમને મલાને ૮૧ બોલમાં ૭૦ રન, કેયલ વેરાયેન ૫૩ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૬૨ તથા એન્ડિલ ફેલુકવાયોએ ૬૧ બોલમાં ૫૪ રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે મોહમ્મદ નવાઝે ૩૪ રનમાં ત્રણ તથા શાહિન શાહ આફ્રિદીએ ૫૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બેટિંગ માટે આસાન જણાતી પિચ ઉપર પાકિસ્તાની ઓપનર ઇમાન અને ઝમાને પ્રથમ વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે સંગીન શરૂઆત કરી હતી. ઇમાને ૫૭ તથા બાબર આઝમે ૯૪ રન બનાવ્યા હતા. ઝમાને ૧૦૪ બોલમાં નવ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૧૦૧ રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ તરફથી કેશવ મહારાજે ૪૫ રનમાં ત્રણ અને માર્કરામે ૪૮ રનમાં બે વિકેટ ઝડપી હતી.