સચિન ક્યારેય ‘નિર્દયી’ બેટ્સમેન બની ના શક્યોઃ કપિલ

July 29, 2020

નવી દિલ્હીઃ સચિન તેંડુલકરને વિશ્વના સર્વકાલીન મહાન બેટ્સમેનોમાં સ્થાન મળે છે પરંતુ કેટલીક બાબતો તે હાંસલ કરી શક્યો નથી. ભારતના વર્લ્ડ કપ વિજેતા સુકાની કપિલ દેવના અનુસાર સચિન ક્યારેય નિર્દયી બેટ્સમેન બની શક્યો નહોતો. કપિલે જણાવ્યું હતું કે સચિન પોતાની સદીને ડબલ કે ટ્રિપલમાં ફેરવવાની નિપુણતા કે નિષ્ઠુરતા ધરાવતો નહોતો. સચિન પાસે જેટલું ટેલેન્ટ હતું તેવું મેં કોઈ અન્ય બેટ્સમેનોમાં જોયું નહોતું. સદી કેવી રીતે ફટકારવાની છે તે સચિન સારી રીતે જાણતો હતો પરંતુ તે ક્યારેય નિર્દયી બેટ્સમેન બની શક્યો નહોતો. સચિન પાસે ક્રિકેટની તમામ બાબતો હતી પરંતુ સદી ફટકાર્યા બાદ ઇનિંગ્સને આગળ વધારીને બેવડી કે ત્રેવડી સદી કેવી રીતે નોંધાવી શકાય તે સચિનને આવડતું નહોતું. કપિલ દેવનું માનવું છે કે સચિનના નામે ઓછામાં ઓછી ત્રણ ત્રેવડી સદી તથા ૧૦ બેવડી સદી હોવી જોઈતી હતી. કપિલે જણાવ્યું હતું કે સચિને ઓછામાં ઓછી ત્રણ ટ્રિપલ તથા ૧૦ ડબલ સેન્ચ્યુરી નોંધાવવાની જરૂર હતી કારણ કે તે પેસ તથા સ્પિન બોલર્સની પ્રત્યેક ઓવરમાં બાઉન્ડ્રી ફટકારવાની ક્ષમતા ધરાવતો હતો. સચિને સદી પૂરી કર્યા બાદ વધારે આક્રમક બનીને બોલર્સના છોતરાં કાઢવાની જરૂર હતી. તે વધારે નિર્દયી બનવાના બદલે સદી નોંધાવ્યા બાદ સિંગલ કે ડબલ રન લેવાનું શરૂ કરી દેતો હતો.ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરે છ બેવડી સદી નોંધાવેલી છે. તેની સાથે આ ઇલિટ ક્લબમાં માર્વન અટાપટ્ટુ, વીરેન્દ્ર સેહવાગ, જાવેદ મિયાંદાદ, યુનિસ ખાન તથા રિકી પોન્ટિંગનો સમાવેશ થાય છે.