ભાગલપુર, દરભંગા સહિત અનેક સ્થળે ટ્રેનો રોકાઈ

January 29, 2022

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ની પરીક્ષામાં નોકરીવાંચ્છુ ઉમેદવારોનું શોર્ટ લિસ્ટ બનાવવામાં ગેરરીતિઓના આક્ષેપો પછી રોષિત વિદ્યાર્થીઓ દ્વારા બિહારના પટણા સહિત કેટલાક શહેરોમાં રેલવેના કૉચ સળગાવાયા હતા અને તોડફોડ કરાઈ હતી. રેલવે મંત્રાલયે નોકરી મેળવવા ઈચ્છા ધરાવનારાઓ દ્વારા હિંસા આચરવામાં આવ્યા પછી મેગા ભરતી ઝુંબેશ બંધ કરવા વિચારણા હાથ ધરી છે. હવે એક જ તબક્કે મેગા જોબ ડ્રાઈવ હાથ ધરવી કે કેમ તે અંગે રેલવે ગંભીરતાપૂર્વક વિચારણા કરશે. આ કિસ્સામાં એક સાથે 1.25 કરોડ અરજદારોએ જોબ મેળવવા અરજી કરીને પરિણામો જાહેર કરાયાં ત્યારે હિંસા આચરી હતી. દરમિયાન વડાપ્રધાને રેલવે અધિકારીઓની મિટિંગ બોલાવી છે.

પટણામાં સ્થિતિને કાબૂમાં રાખવા 2500 પોલીસ તહેનાત કરાઈ હતી. અન્ય નાના રેલવે સ્ટેશનોએ પણ બંદોબસ્ત ગો ઠવાયો હતો. આંદોલનને કારણે કેટલીક ટ્રેનોનાં રૂટ બદલવામાં આવ્યા હતા. ભાગલપુર, દરભંગા, સુપૌલમાં ટ્રેનો રોકાઈ, 7 પક્ષોનો વિદ્યાર્થીઓને ટેકો, પોલીસ સાથે ઝપાઝપી RRB-NTPCની પરીક્ષાનાં પરિણામમાં ગેરરીતિથી નારાજ વિદ્યાર્થીઓ દ્વારા જાહેર કરાયેલા બિહાર બંધને 7 રાજકીય પક્ષોએ ટેકો આપ્યો હતો,

શુક્રવારે સવારથી જ પટણા સહિત આખા રાજ્યમાં તંગદિલી સર્જાઈ હતી. 7 રાજકીય પક્ષો RJD, કોંગ્રેસ, JAP, CPI, CPM, CPI-ML તેમજ VIP નાં કાર્યકરો આંદોલનકારીઓ સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા. ભાગલપુર, દરભંગા અને સુપૌલમાં ટ્રેનો રોકવામાં આવી હતી. પટણામાં JAPનાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં એક પોલીસ બેભાન થઈ ગયો હતો. નવી દિલ્હીમાં પણ રેલવે ભવન સામે દેખાવો કરાયા હતા.

નોકરી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ શુક્રવારે પટણા બંધનું એલાન આપ્યું હતું. પટણામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના કેટલાક ગ્રૂપ દ્વારા ઠેરઠેર રસ્તાઓ પર ટાયરો સળગાવાયાં હતાં, ક્યાંક આગજની કરાઈ હતી. હાઈવે અને રસ્તા બ્લોક કરાતા અનેક સ્થળે ટ્રાફિક જામ સર્જાયો હતો. કોચિંગ ક્લાસના શિક્ષક ખાન સર તેમજ અન્યો દ્વારા વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવ્યા પછી મામલો બિચક્યો હતો. આ સંદર્ભમાં હિંસા આચરનાર સામે પોલીસે કેસ કર્યા છે. ખાન સર સામે પણ કેસ કરાયો છે.