સામી ચૂંટણીએ 75 લાખ પકડાયા:સુરતના મહીધરપુરામાંથી નાણાં ઝડપાયાં

November 23, 2022

સુરત  : વિધાનસભાની ચૂંટણીની તડામારમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઉમેદવારો પોતાનો ચૂંટણીખર્ચ પણ ખૂબ મોટે પાયે કરી રહ્યા છે. સરકારી નિયમ મુજબના પાર્ટી દ્વારા આપવામાં આવતા રૂપિયા દરેક ઉમેદવારના ખાતામાં જમા થઈ ગયા બાદ હવે ઉપરના જે પૈસા છે એ ઝડપાવાના શરૂ થયા છે. શહેરના મહીધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા ઝડપાયા છે. કારમાંથી રૂપિયાની સાથે સાથે કોંગ્રેસના પાર્કિંગને લગતું સાહિત્ય પણ મળી આવ્યું છે. હાલ સમગ્ર તપાસ ઈડીને સોંપવામાં આવી છે. કોંગ્રેસે આ ઘટનાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યાનું કહ્યું હતું.

સુરતના મહીધરપુરા વિસ્તારમાં સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં આ રીતે મોડી રાત સુધી શંકાસ્પદ ગાડીઓની તપાસ કરવામાં આવતી હોય છે. મહીધરપુરા વિસ્તારની અંદર એક ઇનોવા કારની તપાસ કરતાં અંદર મોટી રકમ હોવાનો અંદાજ આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એમાં રૂપિયા 75 લાખ હોવાનું જાણવા મળ્યું છે.