સરદાર સરોવર ૯૦ ટકા ભરાતા નર્મદા ડેમ હાઇએલર્ટ પર મૂકાયો

August 19, 2022

ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ અને ઉપરવાસના ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટી વધી ઃ નર્મદા, ભરૃચ અને વડોદરા જિલ્લાના ગામો એલર્ટ કરાય.    


રાજપીપલા-સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેંટ વિસ્તાર અને મધ્યપ્રદેશના ડેમોમાંથી છેલ્લા પાંચ દિવસથી છોડાઈ રહેલા પાણીના  પગલે  તો બીજી બાજુ નર્મદા નદીના વિવિધ ડેમોમાંથી વિપુલ માત્રામાં પાણી નર્મદા ડેમમાં છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઇ રહીછે.  સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં પણ ઉત્તરો ઉત્તર વધારો થતા હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૫.૮૦ મીટરે પહોચી છે જે ડેમની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટરથી ૨.૮૮ મીટર દૂર છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા હાલની સ્થિતિએ નર્મદા ડેમમાં પાણીની આવક ૬૫૪૪૫૪ ક્યૂસેક થઈ રહી છે. જેની સામે નર્મદા ડેમના ૨૩ દરવાજા ૩.૨૫ મીટર ખોલી ૫૦૦૦૦૦ ક્યૂસેક પાણી તથા રિવરબેડ પાવર હાઉસમાંથી ૪૪૭૭૯ ક્યૂસેક પાણી મળી કુલ ૫૪૪૭૭૯ ક્યૂસેક પાણી હાલમાં નદીમાં છોડાઈ રહ્યું છે, સાથે સાથે ૧૮૧૫૪ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે એમ કહી શકાય કે સરદાર સરોવર નર્મદા ડેમના પાણીની કુલ જાવક ૫૬૨૯૩૩ ક્યૂસેક છે.નર્મદા ડેમમાં પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો ૪૮૫૯ એમસીએમ છે.