સાઉદીની કાર ફ્રી શહેર ‘ધ લાઇન’ બનાવવાની તૈયારી

January 12, 2021

  • તેલ ભંડારો ખૂટી ગયા પછીના યુગની તૈયારી 

રિયાધઃસાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાને તેલ ભંડારો ખતમ થયા પછીના સાઉદી અરબના ભાવિ કાર ફ્રી શહેરની પરિકલ્પના જાહેર કરી હતી. ૫૦૦ અબજ ડોલરના ખર્ચે હાથ ધરવામાં આવેલા ‘નિઓમ’ બિઝનેસ ઝોન માટેના પ્રોજેક્ટના ભાગરૂપે જ શૂન્ય કાર્બન ઉત્સર્જન કરનારું કાર ફ્રી શહેર ‘ધ લાઇન’ માટે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. રવિવારે ટીવી સંબોધન કરતાં ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતું કે આ વર્ષના પ્રથમ ત્રિમાસ દરમિયાન જ ‘ધ લાઇન’ શહેરનું નિર્માણકાર્ય શરૂ થઇ જશે. ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતું કે નવું શહેર કુદરતને ખોળે ઊભું થશે અને તેમાં કાર અને રસ્તા નહીં હોય. ૧૦૫ માઇલની એક જ લાઇનમાં વસેલા ધ લાઇન શહેરમાં પગે ચાલીને ફરી શકાશે. ૧૦ લાખની વસતી સમાવી શકે તેવું આ શહેરનું બાંધકામ શરૂ થતાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩,૩૮,૦૦૦ નોકરીઓનું સર્જન થશે. ક્રાઉન પ્રિન્સનો ડ્રીમ પ્રોજેક્ટ નિઓમ વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકર્તા દેશના અર્થતંત્રને વળાંક આપવા માટેનો પ્રોજેક્ટ છે. રાતા સમુદ્ર નજીક અરબસ્તાનના વાયવ્ય વિસ્તારમાં આ પ્રોજેક્ટ હાથ ધરાઇ રહ્યો છે. નિઓમ શહેર નવી ટેકનોલોજી અને બિઝનેસનું હબ બની રહે તેવી યોજના છે.
શૂન્ય કાર, શૂન્ય સડક અને શૂન્ય ઉત્સર્જન ધરાવતા આ શહેરમાં દશ લાખ લોકો વસવાટ કરી શકશે. તેમાં શાળા, આરોગ્ય કેન્દ્ર અને હરિયાળી જેવી વ્યવસ્થા હશે. ધ લાઇન શહેરમાં કોઇ પણ સ્થળે પહોંચવા ૨૦ મિનિટથી વધુ નહીં ચાલવું પડે. અલ્ટ્રા હાઇ સ્પીડ છૈં ટ્રાન્ઝિટ વ્યવસ્થાની આસપાસ શહેર રચના થવાની છે. શહેરની તે સ્વાયત્ત વ્યવસ્થા રહેશે.