સાઉદી પ્રિન્સને અમેરિકાની અદાલતે આપી રાહત, પત્રકારની હત્યાનો કેસ ફગાવ્યો

December 07, 2022

નવી દિલ્હી : યુએસના ફેડરસ જજે મંગળવારના રોજ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સામે યુએસ સ્થિત પત્રકાર જમાલ ખગોશીની હત્યાના કેસને ફગાવી દીધો હતો. બાઈડન વહીવટીતંત્રે ભારપૂર્વક કહ્યું હતું કે, ક્રાઉન પ્રિન્સને આ મામલમાં કેસમાંથી કાયદાકીય છૂટ પ્રાપ્ત હતી. ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાના જજ જોન ડી. બેટ્સે અમેરિકન સરકારની પ્રિન્સ મોહમ્મદને કેસમાંથી બચાવવા માટેની દરખાસ્તને સ્વીકારી લીધી હતી. જો કે જજ બેટ્સનું કહેવું છે કે, ખાશોગીની હત્યામાં તેમની સંડોવણીના આરોપો વિશ્વસનીય છે.  

સાઉદી અરેબિયાના અધિકારીઓની એક ટીમ દ્વારા વર્ષ 2018માં ઈસ્તંબુલમાં વાણિજ્ય દુતાવાસની અંદર ખાશોગીની હત્યા કરવામાં આવી હતી. વોશિંગ્ટન પોસ્ટના કટાર લેખક ખાશોગીએ સાઉદી અરેબિયાના શાસક પ્રિન્સ મોહમ્મદની કઠોર પદ્ધતિઓની ટીકા કરી હતી. અમેરિકાની ઈન્ટેલિજન્સ કોમ્યુનિટી વતી એવું કહેવામાં આવ્યું હતું કે સાઉદીના પ્રિન્સ સામે કેસ થવાના કારણે બંને દેશો વચ્ચે તિરાડ ઉભી થઈ ગઈ છે. 

તમને જણાવી દઈએ કે, યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે સાઉદી અરેબિયાએ ઓપેકના ઓઈલ ઉત્પાદન પર કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાએ પહેલાની જેમ સપ્લાય પુનઃસ્થાપિત કરવા આગ્રહ કર્યો હતો પરંતુ કોઈ ફાયદો થયો નહોતો. ત્યારબાદ સાઉદી અરેબિયાએ ચીનના રાષ્ટ્રપતિને નિમંત્રણ આપીને અમેરિકાને વધુ એક ઝટકો આપ્યો છે. ગલ્ફ દેશોના સંમેલનમાં વિશેષ અતિથિ તરીકે શી જિનપિંગને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અમેરિકા અને ચીન વચ્ચે આજકાલ તણાવ વધી ગયો છે. તાઈવાનના મુદ્દે પણ બંને દેશો સામસામે છે. 

પત્રકાર ખાશોગીની વાત કરીએ તો તેઓ પોતાના લગ્નના કેટલાક દસ્તાવેજો એકત્ર કરવા માટે સાઉદી કોન્સ્યુલેટ ગયા હતા. તેમની વાગ્દતા બહાર રાહ જોઈ રહી હતી. આ હત્યામાં પ્રિન્સના બે સહયોગીઓના પણ નામ સામે આવ્યા છે. જો કે બાઈડન વહીવટીતંત્રે પહેલાથી જ તેમને દંડ મુક્ત કરી દીધા હતા.