વિવાદોમાં ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીS એ ગ્રેડનો દરજજો ગુમાવ્યો

February 12, 2020

રાજકોટ ઃ રાજ્યની સૌપ્રથમ ‘એ’ ગ્રેડનું બિરુદ મેળવનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ ગ્રેડ ગુમાવ્યો છે. NAAC દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રી એક્રેડિટેશન માટેની અરજી રદ કરી દીધી છે. NAAC દ્વારા તેની વેબસાઈટમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ પણ હટાવી દીધું છે. સમિતિની પરવાનગી વગર ચલાવતા કોર્સ, માર્કશીટ, લેટરપેડ, ડિગ્રી, સાહિત્યના દુરુપયોગ જેવી બાબતોને લઈ નેક દ્વારા એ ગ્રેડ હટાવવામાં આવ્યો છે. નેકના આ નિર્ણયનો ફટકો 2020ની પરીક્ષા આપનાર 2.25 લાખ વિદ્યાર્થીઓને પડશે, કેમ કે હવે તેઓની માર્કશીટ પર એ ગ્રેડ જોવા નહીં મળે.


અત્યાર સુધીમાં ત્રણ વખત નેકની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેમાં 12-2-2002ના રોજ પ્રથમ વખત મૂલ્યાંકનમાં ‘ફોર સ્ટાર’, ત્યારબાદ 8-3-2009ના રોજ ‘બી ગ્રેડ’, અને તે બાદ 24-9-2014ના રોજ નેક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ ‘એ’ ગ્રેડ આપવામાં આવ્યો હતો. આ એ ગ્રેડની સમયસીમા 24-9-2019 પૂરી થઈ હતી. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા રિ એક્રેડિટેશન માટે કોઈ તૈયારી કરવામાં આવી ન હતી.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોલમલોલ ચાલી રહ્યું છે. સમિતિની પરવાનગી વગર જ અમુક કોર્સ ચલાવતાં હતા. જેની સામે નેક દ્વારા સવાલ ઉઠાવતાં યુનિવર્સિટીએ તેનો સ્વીકાર પણ કર્યો હતો. એટલું જ નહીં, આ કોર્સની વિગતો યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પણ હતી. જેની ગંભીર નોંધ નેક દ્વારા લેવાઈ હતી. અને યુનિવર્સિટીમાં ચાલતાં આ ગપગોળાઓને કારણે જ આજે યુનિવર્સિટીને એ ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે.


આટ આટલી ઈજ્જત જવા છતાં પણ યુનિવર્સિટીમાં સુધારાના કોઈ સંકેત જણાતા નથી. નેક દ્રારા એ ગ્રેડમાંથી નામ હટાવ્યું તેમ છતાં યુનિવર્સિટી દ્વારા ગત ડિસેમ્બરમાં જાહેર કરેલ કેલેન્ડર અને ડાયરીઓમાં એ ગ્રેડ લખવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતાં 2.25 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટમાં પણ એ ગ્રેડ લખેલો નહીં આવે. આ મામલે કુલપતિએ કહ્યું કે, જવાબદારીમાં ઊણા ઉતરેલા અને આઇઆઇક્યુએનો રિપોર્ટ છુપાવવા માટે ડો.આલોક ચક્રવાલ જવાબદાર છે. તેઓ તા.8 થી 15 સુધી રજા પર છે તેમને અરજી રિજેક્ટની જાણ ન કરવા અંગે ખુલાસો પૂછાશે.