નોકરીની લાલચે રાજસ્થાનથી સગીરા લાવી ગુજરાતમાં વેચી મારવાનું કૌભાંડ

August 02, 2022

રાજસ્થાનના ઉદેપુરની આસપાસ અને ખાસ કરીને ગરીબીમાં રહેતા આદિવાસીઓની સગીર કન્યાઓને ગુજરાતમાં નોકરી અપાવવાની લાલચે, તેમના પરિવારને નોકરી મળ્યાનું કહી એડવાન્સમાં જ હજારો રૂપિયા આપીને વિશ્વાસમાં લઈ આ સગીરાનું ગુજરાતમાં જ મોટી કિંમતે વેચાણ કરી દેવાનું આખુ કૌભાંડ તાજેતરમાં ઝડપાયું છે.

માનવ તસ્કરીની આખી ગેંગને તોડવામાં રાજસ્થાનમાં નોંધાયેલી બે મિસિંગ પર્સનની ફરિયાદની તપાસ જવાબદાર બની છે. રાજસ્થાન અને ગુજરાતની પોલીસના સહિયારા પ્રયાસે ગુજરાતમાં જ પરણેલી રાજસ્થાનની એક મહિલાએ શરૂ કરેલી માનવતસ્કરીની આખી ગુનાખોરી હાલ અટકાવવામાં સફળતા મળી છે.

રાજસ્થાનથી ગુજરાતમાં છોકરીઓને લાવીને વેચી દેનાર ગૅંગ વિશે સિહોરનાં એસ.પી. મમતા ગુપ્તાએ કહ્યું, 'સગીર છોકરીની મિસિંગ ફ્રિયાદ અમારી પાસે આવે છે પણ અમારી પાસે બે એવી ફ્રિયાદ આવી કે જેમાં માતાપિતાએ જણાવ્યું હતું કે એમની દીકરીઓને એમની જ જ્ઞાતિની મહિલા ગુજરાતમાં નોકરી અપાવવા લઈ ગઈ હતી.'