સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કેસમાં સર્ચ ઓપરેશન, 140 જવાનોએ આખો વિસ્તાર ખૂંદ્યો

September 22, 2024

સુરત : ઉત્તરપ્રદેશમાં એક બાદ એક ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે થોડા દિવસ અગાઉ ગુજરાતના સુરતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, રેલવે સ્ટાફની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. ત્યારે હવે સુરતના કીમ-કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ પર શનિવારે ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસની તપાસ તેજ કરી દેવાઈ છે. આ ઘટના બાદ અધિકારીઓ અને તંત્ર દોડતું થયું છે.
કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવાના કાવતરા પાછળ કોનો હાથ છે તેનો પર્દાફાશ કરવા માટે NIA, ATS, SOG, GRP, LCB, સુરત જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં જોડાઈ છે. પોલીસના 140થી વધુ જવાનો કલાકોથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જેમાં 8 PSIના દેખરેખમાં 8 ટીમ કામે લાગી છે. ટ્રેકની નજીકના ઝાડી-ઝાંખરાઓ, ખેતરો સહિત આસપાસના વિસ્તારો ખૂંદવામાં આવી રહ્યા છે. તો વહેલી સવારથી જ ડ્રોનની મદદથી પણ સર્વેલન્સ કરાઈ રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે.

પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝને શનિવારે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકોએ કીમ રેલવે સ્ટેશન નજીક ઉત્તરપ્રદેશ લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મુકી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. બનાવની જાણ થતા સુરત ગ્રામ્ય તેમજ રેલ્વેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝડપથી લાઈન પર ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી. જણાવી દઈએ કે, અજાણ્યા શખ્સો દ્વારા અપલાઈન ઉપર રેલ્વે ટ્રેકની સેફ્ટી પિન (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફીશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. 71 ERS પેડલોક અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. બનાવ અંગે કીમ સ્ટેશનના માસ્ટરને જાણ કરાતા તેમણે તાત્કાલિક ગરીબ રથ ટ્રેનને કોસંબા રેલ્વે સ્ટેશને પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પાદારે રેલ્વે ટ્રેક પર 3 અજાણ્યા શખ્સોની ચહલપહલ પણ જોવા મળી હતી. વહેલી સવારે 5:20 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા વ્યક્તિઓને જોતાં તેઓને બૂમો પાડતા તે લોકો તાત્કાલિક નાસી છૂટ્યા હતા.