અમદાવાદમાં પરિવાર સાથે સુઈ ગયેલી દીકરી મોડી રાત્રે હાજતે જવાનું કહી નીકળી, વહેલી સવારે ઝાડ પર લાશ લટકતી મળી

January 12, 2022

અમદાવાદ : અમદાવાદમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં વાસણા વિસ્તારમાં વહેલી સવારે ઝાડ સાથે એક યુવતીની લટકતી લાશના દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થનારા લોકો ફફડી ઉઠ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોત નોંધીને અલગ અલગ એન્ગલ પર તપાસ શરૂ કરી દીધી છે.પોલીસને તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે, યુવતી એક યુવક સાથે પ્રેમમાં હતી આ બાબતથી યુવતીનો પરિવાર નાખુશ હતો. યુવતીએ થોડા સમય પહેલાં જ એક પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના હાલમા ટોક ઓફ ધ ટાઉન બની છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના વાસણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન સામે જ એક યુવતીએ આપઘાત કર્યો હોવાની વાત વહેતી થતાં સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. 21 વર્ષિય મનિષા પરિવાર સાથે સુતી હતી. વહેલી સવારે તે શૌચાલય જવાનું કહી નીકળી હતી. એક મકાન પાસે આવીને તેણે ઝાડની ડાળી પર દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારની પુછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મનીષાને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારના કેટલાક સભ્યો તેને બોલાવતા નહોતા. જેના લીધે તે તણાવમાં આવી ગઈ હતી. જેના કારણે તેણે આપઘાત કર્યો હોઈ શકે છે.